- અમરેલીના સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો
- લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા રોડ રસ્તા પાણી-પાણી
- નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા વરસાદી પાણી
અમરેલી જિલ્લામાં આજે મેઘરાજાએ જમાવટ બોલાવી છે. લીલીયા, સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા, ખાંભા, જાફરાબાદ સહિતના તાલુકામાં વરસાદ વરસ્યો છે. અમરેલી શહેર પાસેના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ચક્કરગઢ દેવળિયા, ગોખરવાડા સહિતના ગામો પાણી-પાણી થયા હતા.
અમરેલીના સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ
અમરેલીના સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે સાર્વત્રિક વરસાદ ખાબક્યો છે. લીલીયા શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં છે. લીલીયા શહેર વચ્ચેથી પસાર થતી નાવલી નદીમાં ઘોડાપુર પણ આવ્યું છે. પુર આવતા નદી કાંઠે વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરવાની ફરજ પડી હતી. ભારે વરસાદ અને શહેરમાં પાણી ભરાવાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી છે.
વરસાદને લઇ હવામાન વિભાગે શું કરી આગાહી?
રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યના અમુક ભાગોમાં આજે અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી, વલસાડ,દમણ,દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. રાજકોટ,પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરાઈ છે.
આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, બોટાદ, દીવમાં ભારે વરસાદની આગાહી છે. સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓફ શ્યોર ટ્રફ પણ સક્રિય છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી ગુજરાતમાં સિસ્ટમ પહોંચતા નબળી પડે છે. પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.


