- પીઆર સાથે નોકરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી આચરી
- નકલી ડિગ્રીના કેસમાં એજન્ટ ઋષિકેશ પુરોહિતને વડોદરા ક્રાઈમ અને નર્મદા પોલીસે ઝડપ્યો હતો
- એક વ્યક્તિ દીઠ આરોપીઓએ 40 લાખની રકમ ટુકડે ટુકડે લીધી હતી
કેનેડાના પીઆર (પરમેન્નટ રેસિડન્સી) સાથે નોકરી અપાવવાની લાલચ આપી અમદાવાદના ચાર યુવકો પાસેથી રૂ.1.60 કરોડ લઈ છેતરપિંડી કરનાર મહિલા સહિત ત્રણ આરોપી સામે સીઆઈડી ક્રાઈમે શુક્રવારે ગુનો દાખલ કર્યો છે. પોલીસ ફરિયાદ મુજબ મુખ્ય સૂત્રધાર ઋષિકેશ પુરોહીતને વડોદરા ક્રાઈમબ્રાંચ અને નર્મદા જિલ્લા પોલીસે ઝડપ્યો હતો. બનાવની જાણ થતા ભોગ બનનારે સીઆઈડી ક્રાઈમમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી.
ન્યૂ રાણીપમાં શિવાદર્શન પાર્ક સોસાયટીમાં રહેતાં અને ફાર્માસ્યૂટિક્લ કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા હાર્દીકકુમાર ધીરજલાલ પટેલ ઉં,38)એ સીઆઈડી ક્રાઈમમાં ઋષિકેશ વિનાયક પુરોહીત, બિશ્વદીપ બીનોય દેવ અને સુજાતા વાધવા સામે ફરિયાદ કરી છે. જે મુજબ ફરિયાદી અને તેમના મિત્રોએ આરોપીઓને કેનેડાના પીઆર અને નોકરી માટે 1.60 કરોડની રકમ ચુકવી હતી. એક વ્યક્તિ દીઠ આરોપીઓએ 40 લાખની રકમ ટુકડે ટુકડે લીધી હતી. જો કે, બે વર્ષથી વધુનો સમય થઈ ગયા બાદ પણ કેનેડાના પીઆરની પ્રોસીજર પુરી થઈ ન હતી. બીજી તરફ આરોપીઓની ઓફિસ ન્યુ પાથ કરીયર સોલ્યુશન પ્રા.લી. સાયન્સ સીટી રોડ પર ફરિયાદી અને ભોગ બનનારે ધક્કા ખાધા હતા. આરોપીઓ ફરિયાદી અને તેમના મિત્રોને પ્રોસેસ ચાલુ હોવાનો જવાબ આપતા હતા. જો કે ધણો સમય વીતી ગયા બાદ પણ કામ ના થતા ફરિયાદી સહિતના લોકોએ રકમ પરત માંગતા આરોપીઓએ ફોન બંધ કરી ઓફિસ ખાલી કરી દીધી હતી.ઋષિકેશ સહિતના લોકો ભૂર્ગભમાં ઉતરી ગયા તેમજ ઘર બંધ કરી ભાગી ગયા હતા. બનાવને પગલે ફરિયાદીના ધ્યાને આવ્યું કે, આરોપીની વડોદરા ક્રાઈમબ્રાંચ અને નર્મદા પોલીસે ફેક ડોક્યુમેન્ટ કેસમાં ધરપકડ કરી છે.


