- 36 કલાકમાં વલસાડ અને નવસારીમાં વરસાદની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયા
- ચીખલીમાં 8.68, પારડીમાં 8.60, ઉમરગામમાં 8.08 ઈંચ વરસાદ
- વલસાડમાં રસ્તાઓ પર દોઢથી ચાર ફૂટ પાણી ભરાયા, અનેક ઘરોમાં પાણી ઘૂસી ગયા
શનિવાર સાંજ સુધીના વિતેલા 36 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદની તોફાની બેટિંગથી અનેક વિસ્તાર બેટમાં ફેરવાયાં હતા.
વલસાડ શહેરમાં સૌથી વધુ 12.20 ઈંચ વરસાદ ખાબકતાં જાહેર માર્ગો ઉપર દોઢથી ચાર ફૂટ સુધીના પાણી ભરાતા અનેક વાહનો ફસાયા હતા. કાર સહિતના વાહનો તણાવાની ઘટનાઓ પણ ઘટી હતી. આ સિવાય નિચાણા વાળા વિસ્તારની સોસાયટીઓમાં મકાનોમાં પણ પાણી ફરી વળ્યાં હતાં. આ સિવાય નવસારીનાા ગણદેવી તાલુકામાં 11.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ખેરગામ તાલુકામાં 10.20 ઈંચ, ચીખલીમાં 8.68, પારડીમાં 8.60, ઉમરગામમાં 8.08, વાપીમાં 7.68, નવસારીમાં 7.04, ધરમપુરમાં 6.24 અને જલાલપોર તાલુકામાં 5.76 ઈંચ વરસાદ છેલ્લા 36 કલાકમાં નોંધાયો છે.
વલસાડમાં શુક્રવારે મોડી સાંજથી તોફાની બનેલા મેઘરાજાએ શનિવારે બપોરે 2-00 વાગ્યા સુધીના 20 કલાકમાં કરેલી બેટિંગને કારણે લગભગ 70 ટકા વિસ્તારમાં ઠેર-ઠેર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. શનિવારે બપોરે 4-00 વાગ્યા સુધીના વીતેલા 24 કલાકમાં વલસાડમાં 10.48 ઇંચ અને 36 કલાકમાં 12.20 ઈંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદના લીધે શહેરના મોટાભાગના રસ્તાઓ પાણીમાં ડૂબી જતા સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું. વલસાડ નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના નામે રીતસર છેતરપિંડી કરી હોવાથી લગભગ તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનો બળાપો નગરજનો વ્યક્ત કરતા નજરે પડયા હતા. વલસાડ ઉપરાંત પારડી વિસ્તારમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા ડુબાઉ પુલ, કોઝવે ઓવરફ્લો થવા માંડયા હતાં. એક કારના ચાલકે જોખમ લઇ પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાનો પ્રયાસ કરતા કાર પાણીમાં ફસાઇ ગઇ હતી. જે બાદ પાણીના પ્રવાહમાં તણાઇને પુલના કિનારાના ભાગે અટકી પડી હતી. નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદમાં સૌથી વધુ નવસારીના ગણદેવીમાં 11.52 ઈંચ વરસાદ ખાબક્યો હતો. આ સિવાય ખેરગામમાં 10.20, ચીખલીમાં 8.68, નવસારીમાં 7.04 અને જલાલપોર 5.76 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના લીધે નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહારને માઠી અસર પડી હતી.


