- ફાયરિંગની થોડી સેકન્ડોમાં જ સિક્રેટ સર્વિસના સ્નાઇપર્સે ઠાર માર્યો
- ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારો શખ્સ 20 વર્ષના થોમસ ક્રૂક્સ તરીકે ઓળખાયો
- થોમસ 2022માં બેથેલ પાર્ક હાઇ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હત્યાનો પ્રયાસ કરનારો શખ્સ 20 વર્ષના થોમસ ક્રૂક્સ તરીકે ઓળખાયો છે. તેણે ટ્રમ્પને નિશાન બનાવી ફાયરિંગ કર્યાની થોડી સેકન્ડોમાં જ સીક્રેટ સર્વિસના સ્નાઇપર્સે તેને ઠાર માર્યો હતો. ફાયરિંગમાં રેલીમાં હાજર એક વ્યક્તિનું મોત થયું હતું તથા અન્ય બે લોકો ગંભીર રીતે ઘવાયા હતા.
એક ગોળી ટ્રમ્પના કાનને અડીને પસાર થઇ હતી. એફબીઆઇના જણાવ્યાનુસાર તે ટ્રમ્પ પરના હુમલા પાછળનો થોમસ ક્રૂક્સનો ઇરાદો જાણવા તપાસ કરી રહી છે. સ્ટેટ વોટર રેકોર્ડ્સ મુજબ થોમસ ક્રૂક્સ રજિસ્ટર્ડ રિપબ્લિકન હતો અને જો તે જીવતો હોત તો આગામી પાંચ નવેમ્બરે યોજાનારી પ્રમુખપદની ચૂંટણીમાં તેણે પહેલીવાર વોટ આપ્યો હોત. 2021માં 17 વર્ષની ઉંમરે તેણે ડેમોક્રેટિક પાર્ટી સાથે જોડાયેલા એક ગ્રૂપને 15 ડોલરનું દાન આપ્યું હતું. તેના પિતા મેથ્યૂ ક્રુક્સે જણાવ્યું હતું કે તેઓ શું બન્યું હતું તે અંગે જાણ્યા બાદ સુરક્ષા એજન્સીઓ સાથે વાતચીત થયા પછી તેમના દીકરા અંગે વાત કરશે. થોમસ 2022માં બેથેલ પાર્ક હાઇ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટ થયો હતો. તેને નેશનલ મેથ એન્ડ સાયન્સ ઇનિશિયેટિવ તરફથી ‘સ્ટાર એવોર્ડ’ પેટે 500 ડોલરનું ઇનામ પણ મળ્યું હતું.
ટ્રમ્પ પર હુમલાની ઘટના બાદ થોમસના ઘરની બહાર સુરક્ષા એજન્સીઓના વાહનોના ધાડેધાડાં ઊતરી પડયા હતા. સપ્ટેમ્બર, 2003માં જન્મેલા થોમસનું ઘર પેન્સિલ્વેનિયામાં બટલર ખાતે જ્યાં ટ્રમ્પની રેલીમાં તેમના પર હુમલો થયો ત્યાંથી 40 કિ.મી. દૂર બેથેલ પાર્કમાં આવેલું છે. મીડિયા અહેવાલો મુજબ તેણે રેલીના સ્થળથી લગભગ 250 મીટર દૂર એક નિર્માણાધીન પ્લાન્ટની છત પરથી ફાયરિંગ કર્યું હતું.


