- ભવનાથ ક્ષેત્રમાં બંધ રાઈડ્સ શરૂ કરવા રાઈડ્સ ધારકોએ કમિશનર અને મેયરને રજૂઆત કરી
- જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં બાળકો માટેની રાઈડ્સ છેલ્લા ત્રણ મહિનાથી બંધ
- રાજકોટ અગ્નિકાંડ બાદ જુનાગઢ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરની તમામ રાઈડ્સ બંધ કરવામાં આવી હતી
જુનાગઢમાં છેલ્લા ત્રણ મહિનાથી ભવનાથ ક્ષેત્રમાં બંધ રાઈડ્સ શરૂ કરવા રાઈડ્સ ધારકોએ કમિશનર અને મેયરને રજૂઆત કરી હતી. ત્યારે મેયરે હાઈકોર્ટના નિયમ મુજબ વહેલી તકે રાઈડ્સ શરૂ કરવા મંજૂરી આપવામાં આવશે તેવી ખાતરી હાલમાં આપી છે.
છેલ્લા ત્રણ મહિનાથી ભવનાથમાં રાઈડ્સ બંધ
તમને જણાવી દઈએ કે છેલ્લા ત્રણ મહિનાથી જુનાગઢ ભવનાથ ક્ષેત્રના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં નાના બાળકોને રમવા માટેની રાઈડ્સ બંધ હાલતમાં છે. રાજકોટ અગ્નિકાંડ બાદ જુનાગઢ મહાનગરપાલિકાના તંત્ર દ્વારા શહેરની તમામ રાઈડ્સ બંધ કરવામાં આવી હતી. ત્યારે છેલ્લા ત્રણ મહિનાથી ભવનાથમાં રાઈડ્સ બંધ હોવાના કારણે રાઈડ્સ ધારકોએ પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે આજે તમામ રાઈડ્સ ધારકો જુનાગઢ મહાનગરપાલિકા કચેરી ખાતે મેયરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી અને વહેલી તકે આ રાઈડ્સ શરૂ કરવામાં આવે તો પરિવારનું ગુજરાન ચલાવી શકાય તેવી રજૂઆત કરી છે.
રાઈડ્સધારકોને ગુજરાન ચલાવવાનું બન્યું મુશ્કેલ
ભવનાથ ક્ષેત્રના જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં બાળકો માટેની રાઈડ્સ છેલ્લા ત્રણ મહિનાથી બંધ છે. કારણકે રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડ બાદ આવો કોઈ બનાવ જૂનાગઢમાં ના બને તે માટે ગુજરાત હાઈકોર્ટની ગાઈડ લાઈન મુજબ આ રાઈડ્સ બંધ રાખવામાં આવી હતી. પરંતુ આ રાઈડ્સ ધારકોનું કહેવુ છે કે આ રાઈડ્સ ખુલ્લામાં છે અને લગભગ તમામ રાઈડ્સ ઈલેક્ટ્રીકથી ચલાવવામાં આવતી નથી. ત્યારે મેયર ગીતાબેન પરમાર દ્વારા હાલમાં વેપારીઓને રાઈડ્સ વહેલી તકે શરૂ કરવામાં આવે તે પ્રકારનું આશ્વાસન આપવામાં આવ્યું છે. આમ પોતાનું જીવન મુશ્કેલ ભર્યું બનતું જાય છે અને ગુજરાન ચલાવુ પણ કપરું બનતું જતા વેપારીઓએ અંતે આવેદનપત્ર આપીને રાઈડ્સ ચાલુ કરવામાં આવે તેવી આજીજી કરી હતી.
રાજકોટ અગ્નિકાંડમાં 25થી વધુ લોકોના મોત થયા હતા
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં બનેલા અગ્નિકાંડમાં 25થી વધુ લોકોના મોત થયા હતા અને ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે સમગ્ર રાજ્યમાં તાત્કાલિક અસરથી તમામ ગેમઝોન અને રાઈડ્સને બંધ કરવાનો હુકમ કર્યો હતો. ત્યારબાદથી કોઈ રાઈડ્સ કે ગેમઝોન ચાલુ થયા નથી. ત્યારે હવે રાઈડ્સધારકોએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવાનું મુશ્કેલ બનતા આખરે રાઈડ્સ વહેલામાં વહેલી તકે ચાલુ થાય તે માટે મેયરને રજૂઆત કરી છે.


