- છેલ્લા 6 મહિનાથી જર્જરિત બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થીઓ
- શિક્ષણ અધિકારીને માત્ર એસી ચેમ્બરમાં બેસી રહેવામાં જ રસ
- તમામ 9 વર્ગખંડો જર્જરિત હોઈ તેને તોડી પાડવા હુકમ કરવામાં આવ્યો છે
ખેડાના ડાકોરમાં બાંધરપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા છ માસથી જીવના જોખમે 277 વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ કરી રહ્યા છે. શાળાના આચાર્ય અને શિક્ષકો રોજ 9 જર્જરિત વર્ગમાં આ બાળકોને અભ્યાસ કરાવી રહ્યા છે. 1 વર્ગમાં બાલવટિકાથી 3 ધોરણના 80 વિદ્યાર્થીઓ તો અન્ય વર્ગોમાં બે અને ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવ્યા છે.
ચાર કલાસ રૂમો એક પાકા બિલ્ડીંગમાં આવેલા છે તો અન્ય ક્લાસરૂમો જર્જરિત દીવાલો સાથે પતરાના શેડમાં આવેલા છે અને એક ઓફિસ છે, જે સાથે તમામ 9 ઓરડા જર્જરિત છે અને તેને તોડવા છ માસ પહેલા ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા હુકમો કરવામાં આવ્યા છે છતાં કેમ નાના ભૂલકાં વિદ્યાર્થીઓના જીવ સાથે ચેડા થઈ રહ્યા છે. ત્યારે ઘણા પ્રશ્નો શાળા, તાલુકા જિલ્લા અને રાજ્ય શિક્ષણ વ્યવસ્થા ઉપર ઉઠ્યા છે.
સરકારના માત્ર મોટા મોટા દાવાઓ જ
રાજ્ય સરકાર શિક્ષણની ગુણવત્તાને લઈ મોટા મોટા દાવા કરે છે આધુનિક ટેકનોલોજી સભરના કલાસો થકી અભ્યાસક્રમ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતો હોવાના દાવા કરે છે પણ ખેડા જિલ્લા પંચાયત હસ્તક ચાલતી પ્રાથમિક શાળાઓ આઝાદી પહેલાનું અંગ્રેજ શાસન યાદ અપાવી જાય તેવું છે વાત જાણેકે એમ છે કે 14 ડિસેમ્બર 2023ના રોજ ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ઠાસરાના બાંધરપુરા ગામે આવેલી પ્રાથમિક શાળામાં તમામ 9 વર્ગખંડો જર્જરિત હોઈ તેને તોડી પાડવા હુકમ કરવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા શાળાના આચાર્ય અને એસએમસીને ફરજિયાત કરવા હુકમ કરવામાં આવ્યો પણ ખેતમજૂરી ઉપર નિર્ભર બાંધરપુરા ગામમાં જમીન જ નથી એક પરિવારના લોકો એક જ મકાનમાં રહેવા મજબુર છે, સરકારી આવાસ માટે પણ જગ્યા નથી, ત્યાં શાળા માટે કોણ જગ્યા આપે વૈકલ્પિક વ્યવસ્થા માટે ગામના પંચાયત ઘર, દૂધની ડેરીમાં પ્રયાસ કર્યો, જોકે સાંકડી જગ્યાએ આ શક્ય નહોતું અને અહીંથી શિક્ષણ વિભાગની બેદરકારીથી જીવના જોખમે શિક્ષણની શરૂઆત થઈ.
શિક્ષણ અધિકારીને માત્ર એસી ચેમ્બરમાં બેસવામાં જ રસ
ખેડા જિલ્લા શિક્ષણ વિભાગના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પરેશ વાઘેલા માત્ર એસી ચેમ્બરમાં બેસી બાંધરપુરા પ્રાથમિક શાળામાં આવેલી તમામ 9 વર્ગખંડોને તોડવા હુકમ કરે છે તો શાળા ગ્રામ પંચાયત પાસે વૈકલ્પિક વ્યવસ્થા ન હોઈ તેવામાં પોતાની જવાબદારીથી કેમ હાથ ખંખેરે છે, આ પ્રાથમિક શાળાને અડીને આવેલા કમ્પાઉન્ડ વોલ પાણીની ટાંકી અને આંગણવાડી બિલકુલ જર્જરિત અને જોખમી છે, જે ગમે ત્યારે તૂટી પડશે અને જો ત્યાં હાજર શિક્ષક કે વિદ્યાર્થીઓ તેમાં ભોગ બનશે તો તેનો જવાબદાર કોણ હશે?
શું શિક્ષણ વિભાગ ત્યારે જ કાર્યવાહી ન નામે દોડાદોડી કરશે, અહીં ભણતા 277 વિદ્યાર્થીઓની જવાબદારીએ માત્ર બાંધરપુરા પ્રાથમિક શાળા, ગ્રામપંચાયત કે એસએમસીની નહીં તાલુકા અને જિલ્લા શિક્ષણ વિભાગ સાથે રાજ્યના શિક્ષણ વિભાગની પણ છે, જોકે અધિકારીઓ ક્યાં કોઈ દુર્ઘટના વિના ગંભીરતા લે છે .
દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ?
મુદ્દો હવે ચર્ચામાં કેમ આવ્યો તે પણ રસપ્રદ છે કારણ કે ઠાસરામાં હાલમાં જ દીપકપુરા પ્રાથમિક શાળાના આચાર્ય વિક્રમ ઠાકોરની બદલી એટલા માટે કરવામાં આવી કે જર્જરિત ઓરડા તોડી પાડવાનો ખેડા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જોકે નવા ઓરડા મંજુર ન કરતા અહીં થોડા સુરક્ષિત ઓરડામાં અભ્યાસ ચાલી રહ્યો હતો, ત્યારે મકાનના પોપડા પડતા એક વિદ્યાર્થીને સામાન્ય ઈજાઓ પહોંચી અને તેના વાલીની બદલી અને રાજકીય રીતે દબાણ આવતા આચાર્યની બદલી કરવામાં આવી હતી, ત્યારે બાંધરપુરા પ્રાથમિક શાળામાં તો ઓફિસ સાથે તમામ ઓરડા તોડી પાડવા ખેડા શિક્ષણ વિભાગે હુકમ કર્યો છતાં વૈકલ્પિક વ્યવસ્થા ન હોઈ અહીં જર્જરિત ઓરડામાં જ શૈક્ષણિક કાર્ય ચાલી રહ્યું છે, ત્યારે કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ શાળા કે શિક્ષણ વિભાગ?


