- નાસાએ રોવરનો કાર્યક્રમ રદ કર્યો : ખર્ચમાં વધારો થવાથી મિશનમાં બ્રેક લાગી
- પ્રોજેક્ટને ડેવલપ કરવા નાસા અત્યાર સુધીમાં 450 મિલિયન ડૉલરનો ખર્ચ કરી ચૂક્યું છે
- નાસાના ચંદ્ર પર શોધ અને સંશોધન કાર્યક્રમને નાણાકીય સમસ્યાને કારણે મોટો ઝટકો
અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)ની આર્થિક સ્થિતિ કથળી હોવાના અહેવાલોને પગલે નાસાના ચંદ્ર મિશનને ફટકો પહોંચ્યો છે. ખર્ચમાં અસાધારણ વધારો તેમજ પ્રક્ષેપણમાં વિલંબને કારણે તેનો પ્રોજેક્ટ ઘોંચમાં પડયો છે.
નાસાએ આવા કારણોને ધ્યાનમાં લઈને ચંદ્ર પર રોવર ઉતારવાનાં મિશનને રદ કર્યું છે. નાસાના ચંદ્ર પર શોધ અને સંશોધન કાર્યક્રમને નાણાકીય સમસ્યાને કારણે મોટો ઝટકો લાગ્યો છે. નાસાએ અત્યાર સુધીમાં આ મિશન આગળ ધપાવવા 450 મિલિયન ડૉલરનો ખર્ચ કરી દીધો છે. હવે પ્રોજેક્ટ અધવચ્ચે અટવાયો હોવાથી ખર્ચમાં વધારો થવાની સંભાવના છે.
રોવરને એસ્ટ્રોબોટિક ટેક્નોલોજી દ્વારા લેન્ડર પર 2023માં લૉન્ચ કરવાની યોજના હતી. પણ 2022માં નાસાએ 2024નાં અંત સુધી લૉન્ચમાં વિલંબની જાહેરાત કરી હતી. જેથી ગ્રિફિન લેન્ડર વ્હિકલની પ્રિ ફ્લાઇટ ટેસ્ટ માટે વધુ સમય મેળવી શકાય. આ પછી રોવરના લૉન્ચિંગની તારીખ સપ્ટેમ્બર 2025 સુધી વધારવામાં આવી હતી જેથી મિશનનો ખર્ચ વધીને 606.6 મિલિયન ડૉલર થવાનો અંદાજ હતો. રોવરને સંપૂર્ણપણે તૈયાર કરવામાં આવ્યું હતું પણ તેનું પરીક્ષણ કરાયું ન હતું.
અન્ય કેટલાક પ્રોજેક્ટને માઠી અસર થાય તેમ હતી
નાસાના વિજ્ઞાન મિશનના સહયોગી એડમિનિસ્ટ્રેટર નિકી ફોકસે કહ્યું હતું કે આ પ્રકારના નિર્ણયો લેવાનું અમારા માટે સહેલું નથી હોતું. અમારા VIPER (વોલેટાઇલ ઇન્વેસ્ટિગેટિંગ પોલાર એક્સ્પ્લોરેશન રોવર) પ્રોજેક્ટ માટે અંદાજિત ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે તો અમારે કેટલાક અન્ય મિશન રદ કરવા પડે તેમ હતા અથવા તો તેને થોડા સમય માટે રોકવા પડે તેમ હતા. નાસાના આર્મેટિસ ચંદ્ર રોવર (VIPER)નો હેતુ ચંદ્રનાં દક્ષિણ ધ્રુવ પર બરફ તેમજ અન્ય સંસાધનોની ભાળ મેળવવાનો હતો.


