- આંગણવાડી કેન્દ્ર પાસે દવાની બોટલ, ટેબ્લેટ્સ સહિતની વસ્તુ કોણ ફેંકી ગયું તે બાબતે બે વિભાગો સામસામે
- આરોગ્ય વિભાગ દ્વારા ICDSના અધિકારીઓ પર આંગણવાડી બહાર દવાઓ ફેંકી દેવાયાનો આક્ષેપ
- દવાઓનો જથ્થો ફેંકી દેવાની બાબતે બન્ને સરકારી વિભાગો આમનેસામને પ્રતિક્રિયા
સાયલા તાલુકાના ઇશ્વરીયા ગામની આંગણવાડી બહાર આરોગ્ય વિભાગ ની દવાઓનો જથ્થો કોઇએ ફેંકી દીધેલી હાલતમાં પડી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તંત્રમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા.સરકાર દ્વારા બિમાર દર્દીઓ માટે ફળવાયેલ દવાઓનો જથ્થો બિનવારસી હાલતમાં પડેલો જોવા મળતા તરેહ તરેહની ચર્ચાઓ વચ્ચે આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યું હતું.
ઇશ્વરીયા ગામે દવાઓ ફેંકેલી હાલતમાં મળી આવવાના સંદર્ભે તુરંત શાપર પીએચસીના મેડીકલ ઓફીસર સહિતનો કાફ્લો ત્યાં પહોંચ્યો હતો. મેડીકલ ઓફીસર ચૌધરી સાથે વાત કરતા તેમણે જણાવેલ કે દવાઓનો જથ્થો અમારા વિભાગનો જ છે. પરંતું આંગણવાડી કેન્દ્રની મુલાકાતે આવેલા ICDS વિભાગના અધિકારી ઓ દ્વારા કેન્દ્ર માંથી બહાર ફેંકી દઇ તેના વીડિયો, ફોટો ઉતારી તેમણે જ વાયરલ કર્યા હોવાનો ચોંકાવનાર આક્ષેપ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ સાથે આરોગ્ય વિભાગના અધિકારીએ વધુમાં કહેલ કે અમારું હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પહેલા આંગણવાડી કેન્દ્રમાં ચાલતું હતું. પરંતું હમણાથી ગામમાં ભાડે મકાન રાખી ત્યાં ચાલુ કરાયું છે તેમજ અમારી દવાઓનો થોડો જથ્થો જે ફેરવવાનો બાકી હતો. તે ત્યાં આંગણવાડીમાં કોથળીમાં ભરી રાખેલ હતો. જે આજે ICDS વિભાગના આવેલ અધિકારીઓ દ્વારા કોથળામાંથી બહાર કાઢી ફેંકી દેવાયો હોવાનું અમને જાણવા મળ્યું છે. સાયલા આઇસીડીએસ વિભાગના સીડીપીઓ કૈસર શેખ સાથે વાત કરતા તેમણે આવી કોઇ બાબતથી અજાણ હોવાનું તેમજ કચેરીની કામગીરી અર્થે સુપરવાઇઝર અધિકારી સાથે ત્યાં ગયા હતાનું જણાવ્યું હતું.
હાલ તો દવાઓનો જથ્થો ફેંકી દેવાની બાબતે બન્ને સરકારી વિભાગો આમનેસામને પ્રતિક્રિયા આપી રહ્યા છે. પરંતુ કોણે અને શું કામ આ દવાઓ ફેંકી દેવામાં આવી છે. તે સવાલ ઉઠવા પામ્યો છે. બિમાર અને જરૂરિયાતમંદ લોકોને મફ્તમાં સારવાર તેમજ દવાઓ નિઃશુલ્ક મળી રહે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ ગંભીર કહી શકાય તેવી બાબતમાં જવાબદારો વિરુદ્ધ તંત્ર કોઇ કડક કાર્યવાહી કરશે કે હમેંશની માફ્ક ભીનું સંકેલાય જશે તેતો આવનારો સમય જ કહી શકે.


