- ઈંગ્લેન્ડના ઉત્તરી શહેર લીડ્સમાં રમખાણ શરૂ થયા
- રસ્તાઓ પર ભીષણ આગચંપીના વીડિયો સામે આવી રહ્યા છે
- બ્રિટનમાં તાજેતરમાં ચૂંટણીમાં લેબર પાર્ટી વિજેતા જાહેર થઈ છે
બ્રિટનમાં તાજેતરમાં જનરલ ચૂંટણીના પરિણામ આવ્યા જેમાં લેબર પાર્ટીની બંપર જીત નોંધાઈ હતી અને ઋષિ સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીની હાર થઈ છે. આશરે 14 વર્ષ બાદ બ્રિટનમાં લેબર પાર્ટી સત્તામાં આવી છે. જો કે ચૂંટણી પરિણામ આવ્યાના થોડા દિવસો પછી ઈંગ્લેન્ડના ઉત્તરી શહેર લીડ્સમાં રમખાણ ફાટી નીકળ્યા છે. સોશિયલ મીડિયા પર જે વીડિયો સામે આવી રહ્યા છે તેમાં માર્ગો પર ભીષણ આગચંપી જોવા મળી રહી છે.
લોકોને ઘરમાં રહેવાની સૂચના
મળતી માહિતી અનુસાર, ઉત્તરી ઈંગ્લેન્ડના લીડ્સ શહેરમાં રમખાણ શરૂ થયા છે. રમખાણ કરનાર લોકોએ રોડ પર બસમાં આગ લગાવી દીધી હતી. ઈંગ્લેન્ડના વેસ્ટ યોર્કશાયર પોલીસ આ સ્થિતિને કાબૂ કરવા ભારે જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. તેઓ આ રમખણોની વર્તમાન સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. ઉપરાંત પોલીસે લોકોને ઘરમાં રહેવાની સૂચના આપી છે.
હુલ્લડ શા માટે શરૂ થયું?
મળતી માહિતી મુજબ, ગુરુવારે સાંજે લીડ્સના હેરહિલ્સ વિસ્તારમાં સેંકડો તોફાનીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તોફાનીઓએ રોડ પર એક બસને આગ ચાંપી દીધી હતી અને પોલીસની કારને પણ પલટી મારી દીધી હતી. જે વીડિયો સામે આવ્યો છે તેમાં સ્થાનિક લોકો ની ડોલથી આગ ઓલવવાનો પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે.
રમખાણો અને આગચંપી
અહેવાલો અનુસાર, સ્થાનિક પોલીસ લીડ્સના હેરહિલ્સ વિસ્તારમાં બાળકો અને એજન્સીના કર્મચારીઓને સંડોવતા ખલેલનો જવાબ આપી રહી હતી. જોકે, થોડી જ વારમાં બધુ અફડાતફડીમાં ફેરવાઈ ગયું. આ પછી આગચંપી પણ જોવા મળી હતી. પોલીસે કહ્યું છે કે અત્યાર સુધી આ રમખાણમાં કોઈને ઈજા થઈ હોવાની કોઈ માહિતી નથી.


