- આજે જૂનાગઢમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો
- આજે વેરાવળમાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો
- આજે તાલાલામાં ચાર ઈંચ વરસાદ ખાબક્યો
આજે સાંજે 6 વાગ્યા સુધી રાજ્યના 87 તાલુકામાં વરસાદ વરસ્યો છે. હવામાના વિભાગના જણાવ્યા અનુસાર દ્વારકામાં સાડા 6 ઈંચ વરસાદ, જૂનાગઢમાં સાડા પાંચ ઈંચ વરસાદ, તાલાલામાં ચાર ઈંચ વરસાદ, જૂનાગઢના વંથલીમાં સાડા ત્રણ ઈંચ વરસાદ, જૂનાગઢના મેંદરડા – માણાવદરમાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
આ સિવાય જૂનાગઢના માંગરોળમાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે જ આઠ તાલુકામાં 2 ઈંચ કરતા વધુ વરસાદ, છ તાલુકામાં એક ઈંચ કરતા વધુ વરસાદ અને 73 તાલુકામાં સામાન્યથી એક ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે વરસાદના કારણે પાણની સારી આવક થઈ છે અને રાજ્યના તમામ નદી,નાળા, સરોવરો અને ડેમ પાણીથી છલકાયા છે.
દ્વારકામાં બે દિવસમાં 15 ઈંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા તાલુકામાં સૌથી વધુ 15 ઈંચ જેટલો વરસાદ તેમજ પોરબંદર તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ત્યારે દ્વારકામાં 3 દિવસથી કેટલાક વિસ્તારોમાં વીજળી ગૂલ છે અને ઠેરઠેર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
ખેતરમાં પાક ધોવાયો, જગતનો તાત મોટી ચિંતામાં મુકાયો
દ્વારકામાં ભારે વરસાદને પગલે ભાટિયા ભોગાત હાઈવે પર પાણી ભરાયા છે અને આસપાસના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે અને ખેતરો જાણે કે બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકોને પરેશાન થવાનો વારો આવ્યો છે. જો કે વરસાદી પાણી ખેતરોમાં ભરાતા ખેડૂતોએ પાણીના નિકાલ માટે જેસીબી વાહનોની મદદથી પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે. ત્યારે ખેતરોમાં પાણી ભરાયેલા રહેતા ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે અને જગતનો તાત મોટી ચિંતામાં મુકાયો છે.
ભારે વરસાદની આગાહી, NDRFની 10 ટીમ રવાના
ભારે વરસાદની આગાહીને પગલે NDRFની 10 ટીમોને અલગ અલગ સ્થળોએ રવાના કરાઈ છે. જેમાં નર્મદામાં 1 ટીમ, કચ્છમાં 1 ટીમ, વલસાડમાં 1 ટીમ, દેવભૂમિ દ્વારકામાં 1 ટીમ, જૂનાગઢમાં 1 ટીમ, ભાવનગરમાં 1 ટીમ, અમરેલી માં 1 ટીમ, સુરતમાં 1 ટીમ, ગીર સોમનાથમાં 1 ટીમ, 1 ટીમ રાજકોટથી દેવભૂમિ દ્વારકા જવા રવાના થઈ છે.


