- વિવિધ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફ્લાઈટ મોડી પડતા કરાઈ રિશિડ્યુલ
- અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થતી 14 ફ્લાઈટ નિયત સમય કરતા મોડી પડી
- દિલ્હીથી અમદાવાદ આવતી 4 ફ્લાઈટ રદ કરવામાં આવી
માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ખામી સર્જાવાના કારણે ગઈકાલે વિશ્વમાં ઘણી ફ્લાઈટોના શેડ્યુલ ખોરવાઈ ગયા હતા, ત્યારે અમદવાદ એરપોર્ટ પર પણ સર્વરમાં ખામી સર્જાવાના કારણે મુસાફરોને થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ખામી સતત બીજા દિવસે પણ હવાઈ મુસાફરીને અસર
ત્યારે અમદાવાદમાં આજે સતત બીજા દિવસે પણ હવાઈ મુસાફરીને માઈક્રોસોફ્ટ સોફ્ટવેરમાં ખામી સર્જાવાના કારણે અસર થઈ છે. અમદાવાદ એરપોર્ટથી અને અન્ય વિવિધ એરપોર્ટ પરથી ઓપરેટ થતી ફ્લાઈટ મોડી પડતા રિશિડ્યુલ કરવામાં આવી છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટ પરથી ઓપરેટ થતી 14 જેટલી ફ્લાઈટ નિયત સમય કરતા મોડી પડી છે અને દિલ્હીથી અમદાવાદ આવતી 4 ફ્લાઈટ રદ કરવામાં આવી છે.
ઓનલાઈન બોર્ડીંગ અને ચેકીંગ નહીં થતાં મુસાફરો પરેશાન
ઉલ્લેખનીય છે કે ગઈકાલે માઈક્રોસોફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા દુનિયાભરમાં એરપોર્ટ, બેંન્કિંગ અને શેરબજાર સહિતની મહત્ત્વની સેવા-કામગીરી ખોરવાઇ ગઈ હતી. અમદાવાદ એરપોર્ટ સહિત દેશભરના એરપોર્ટ પર ઓનલાઈન બોર્ડીંગ અને ચેકીંગ નહિ થતાં મુસાફરો પરેશાન થઈ ગયા હતા. અમદાવાદ સહિત સુરત અને રાજકોટ મળી 30 ફ્લાઇટ રદ કરવાની નોબત આવી હતી.
ગઈકાલે પણ 30 ફ્લાઈટ રદ કરવામાં આવી હતી
દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદ એરપોર્ટનો સમાવેશ થાય છે અને દરરોજ હજારોની સંખ્યામાં મુસાફરો આવાગમન કરી રહ્યા છે. હવે એરપોર્ટની તમામ કામગીરી ઓનલાઇન અને કમ્પ્યૂટરાઇઝ્ડ થઇ થઇ ગઇ છે ત્યારે ગઈકાલે બપોરે અચાનક જ માઇક્રોસોફ્ટના સોફ્ટવેરમાં ટેકનિલક ખામી ઊભી થતા તમામ ઓનલાઈન સિસ્ટમ ખોરવાઇ ગઇ હતી. જેને પગલે દિલ્હી મુંબઇ અને અમદાવાદ જેવા તમામ એરપોર્ટ પર મુસાફરોના ઓનલાઇન બોર્ડીંગ થઇ શકતા ન હતા. અન્ય સિસ્ટમ પર ખોરવાતાં દેશભરમાં સંખ્યાબંધ ફ્લાઇટ રદ થઇ હતી. અમદાવાદ આવતી-જતી 20 ફ્લાઇટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટની મળીને 30 ફ્લાઇટ રદ થઇ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે એરપોર્ટ સ્ટાફને કોમ્પ્યુટરો કામ નહીં કરતા હોવાના કારણે હાથથી બોર્ડિંગ પાસ બનાવવાની ફરજ પડી હતી.જોકે રાતની બંને ફ્લાઈટ કેન્સલ કરાવનો નિર્ણય લેવાયો હતો.


