- પૂર્વ પીએમ ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીએ જેલમાં પતિને પીડા અપાતી હોવાનો દાવો
- બુશરા બીબીએ જેલ તંત્ર અને સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા
- છેલ્લા એક વર્ષથી પાકિસ્તાનની જેલમાં ઈમરાન ખાન અને પત્ની બુશરા બીબી જેલવાસ હેઠળ
પાડોશી દેશ પાકિસ્તાનમાં પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેઓની પત્ની બુશરા બીબ જેલમાં બંધ છે. ગત વર્ષે ભ્રષ્ટાચાર કેસમાં ધરપકડ કર્યા બાદ રાવલપિંડીની અદિયાલા જેલમાં બંને બંધ છે. ઈમરાન ખાન સામે 200થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે કેટલાક કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. જે બાદ હવે બુશરા બાબીએ આરોપ લગાવ્યા છે કે જેલમાં ઈમરાન ખાનના જીવનો ખતરો છે. બુશરા બીબીએ શનિવારે રાવલપિંડીની અદિયાલા જેલમાં પોતાના પતિની સુરક્ષાને લઈ ગંભીર ચિંતા વ્યક્ત કરીને ઘણા ગંભીર આરોપ પણ લગાવ્યા છે.
બુશરા બીબીએ આરોપ લગાવ્યો હતો કે તેમના પતિ ઈમરાન ખાનને જેલમાં ખરાબ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમને દૂષિત ખોરાક આપવામાં આવી રહ્યો છે. બુશરા બીબીએ જેલ તંત્ર અને સરકારને કહ્યું કે તે પોતાના જીવ માટે પણ ડરે છે. તેમજ બુશરા બીબીએ કહ્યું કે જેલની અંદર ઈમરાન ખાનનો જીવ જોખમમાં છે અને આ પહેલા પણ ઈમરાન ખાનને જેલની અંદર કથિત રીતે ઝેર આપવામાં આવ્યું હતું.
બુશરા બીબીએ ગંભીર આરોપ લગાવ્યા હતા
બુશરા બીબીએ કહ્યું કે તેણે ઈમરાન ખાન પર જેલમાં ઝેર પીવડાવવાનો આરોપ લગાવ્યો હતો પરંતુ કોર્ટે હજુ સુધી આ મામલે તપાસ કરી નથી. જેલની સ્થિતિનું વર્ણન કરતા બુશરાએ આરોપ લગાવ્યો હતો કે ઈમરાન ખાનને અસ્વચ્છ સ્થિતિમાં રાખવામાં આવી રહ્યા છે અને તેમને ખાવા માટે દૂષિત ખોરાક આપવામાં આવે છે. તેણે કહ્યું કે જ્યારે તે એટોક જેલમાં તેના પતિને મળી ત્યારે તે ખૂબ જ થાકેલા અને નબળા દેખાતા હતા. બુશરા બીબીએ કહ્યું કે જેલમાં એટલી બધી ગંદકી હતી કે ઈમરાન ખાને આખી રાત પોતાના વાળમાંથી કીડા કાઢવા પડ્યા હતા.
બાકીના કેદીઓને VIP ટ્રીટમેન્ટ
બુશરાએ કહ્યું કે જે લોકોને દોષિત ઠેરવવામાં આવ્યા છે તેઓને રાજકીય કેદીઓ કરતાં વધુ સારી સારવાર મળે છે. તેમણે એમ પણ કહ્યું કે બાકીના કેદીઓને વીઆઈપી ટ્રીટમેન્ટ મળે છે જ્યારે ઈમરાન ખાનને પ્રાથમિક સુવિધાઓથી પણ દૂર રાખવામાં આવ્યા છે, તેમને મૂળભૂત જરૂરિયાતો માટે પણ સંઘર્ષ કરવો પડે છે.
ટોયલેટ ક્લીનર ખોરાકમાં ભેળવી દીધાનો આરોપ
બુશરા બીબીએ દાવો કર્યો હતો કે તેના ભોજનમાં ટોયલેટ ક્લીનર ભેળવવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પત્રકાર સાથેની વાતચીતને સમાપ્ત કરતી વખતે, બુશરા બીબીએ ફરી એક વાર પુનરોચ્ચાર કર્યો કે તેના અને ભૂતપૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર લાગેલા તમામ આરોપો બનાવટી છે. જોકે, પાકિસ્તાનની કોર્ટે શનિવારે ઈમરાન ખાન અને બુશરાને બિન ઈસ્લામિક લગ્નના કેસમાં નિર્દોષ જાહેર કર્યા છે.


