- વરસાદને પગલે રોડ રસ્તા પાણી-પાણી થયા, વાહન ચાલકોને હાલાકી
- ચાર ઈંચ વરસાદ ખાબકતા વરાછા, પુણા, કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા
- વરસાદ બાદ પાણીનો નિકાલ નહીં થતાં લોકો તંત્ર સામે રોષે ભરાયા
સુરત શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે. શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદને પગલે રોડ રસ્તા પાણી-પાણી થયા છે અને વાહન ચાલકોને ભારે હાલાકી પડી રહી છે. અનેક જગ્યાએ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. જો કે ભારે ગરમી અને બફારાથી લોકોને રાહત મળી છે.
અડધો કલાક વરસેલા વરસાદે સમગ્ર સુરતને પાણી પાણી કર્યું
અડધો કલાક વરસેલા વરસાદે સમગ્ર સુરતને પાણી પાણી કર્યું છે અને રિંગ રોડ ખટોદરામાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. સુરતમાં ચાર ઈંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. શહેરના વરાછા,પુણા,કતારગામ વિસ્તારમાં પાણી ભરાયા છે. ત્યારે વરસાદ બાદ પાણીનો નિકાલ નહીં થતાં લોકો તંત્ર સામે રોષે ભરાયા છે.
કામરેજ ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા
સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે. ઓલપાડ,કામરેજ,બારડોલી,માંડવીમાં વરસાદ વરસ્યો છે. કામરેજ ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ઘૂંટણ સમા પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે સુરત જિલ્લામાં વરસાદ વરસ્યો છે. ત્યારે તંત્ર દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવામાં આવી છે, પરંતુ યોગ્ય કામગીરી ન થતા પરિસ્થિતિ ‘જેસે થે’ની જોવા મળી રહી છે.
પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો
તમને જણાવી દઈએ કે ગુજરાત સરકારના હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. ત્યારે સુરત જિલ્લાના બારડોલી પંથકમાં બપોર બાદ અચાનક ભારે વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા નગરના માર્ગો પાણી પાણી થયા છે. બારડોલી નગરના આશાપુરી માતાના મંદિર નજીક વરસાદી પાણી ભરાયા છે અને છેલ્લા ઘણા વર્ષોથી અહીં પાણી ભરાવાની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. ત્યારે બારડોલી નગરપાલિકાની પ્રિ મોન્સૂન કામગીરી પર ઉઠ્યા અનેક સવાલો ઉભા થયા છે.
સુરતમાં સાંજે 7થી 8 વાગ્યાનો વરસાદ
- ઓલપાડ -20 MM
- માંગરોળ -19 MM
- ઉમરપાડા – 23 MM
- માંડવી -20 MM
- કામરેજ -108 MM.
- સુરત સીટી -101 MM
- ચોર્યાસી – 16 MM
- પલસાણા – 113 MM
- બારડોલી -68 MM
- મહુવા -40 MM


