- 3 ગામમાં 11 લોકો પાણીમાં ફસાયા, તમામ લોકોનું કરાયું રેસ્ક્યૂ
- મામલતદાર અને નાયબ મામલતદાર ગોઠણ સમા પાણીમાં લોકોની મદદ માટે પહોંચ્યા
- ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ
દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ તાંડવ મચાવ્યુ છે. તાલુકામાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે અનેક ગામોમાં વરસાદી પાણી ભરાયા છે અને લોકો હાલાકી ભોગવી રહ્યા છે. ગ્રામ્ય પંથકમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ભારે વરસાદને પગલે અનેક લોકો પાણીમાં પણ ફસાયા છે.
મામલતદાર અને નાયબ મામલતદાર ગોઠણ સમા પાણીમાં લોકોની મદદ માટે પહોંચ્યા
કલ્યાણપુર તાલુકાના અલગ અલગ ત્રણ ગ્રામ્ય વિસ્તારોમાં 11 લોકો પાણીમાં ફસાયા હોવાની માહિતી મળી છે. કેશવપુર ગામે 4 વ્યક્તિઓ, ટંકારીયા ગામે 4 વ્યક્તિઓને તંત્ર દ્વારા રેસ્ક્યુ કરીને બચાવી લેવામાં આવ્યા છે. ત્યારે પાનેલી ગામે 3 વ્યક્તિઓ ફસાતા હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યુ છે. કલ્યાણપુરના મામલતદાર અને નાયબ મામલતદાર ગોઠણ સમા પાણીમાંથી ફસાયેલા લોકોની મદદ માટે પહોંચ્યા છે.
વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી
દ્વારકાના કલ્યાણપુર ગામે ધોધમાર વરસાદના કારણે કલ્યાણપુર ગામોમાં નદીઓ વહેતી થઈ છે. કલ્યાણપુર ગામે આઠ ઈંચ કરતાં વધુ વરસાદ ખાબકતા ધસમસતા પાણીના પૂર ગામમાંથી વહેતા થયા છે અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ભરાતા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.કલ્યાણપુર ગામની ચારે તરફ પાણી પાણી જોવા મળી રહ્યુ છે અને ગામમાં જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે.
ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ
કલ્યાણપુર ગામના ઝાપાનો વિસ્તાર તો જાણે કે બેટમાં ફેરવાયો હોય તેવા દૃશ્યો જોવા મળ્યા છે. ત્યારે કલ્યાણપુર ગામની પણ વિકટ સ્થિતિ થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. વહેલી સવારથી જ ગાજવીજના કડાકા ભડાકા સાથે વરસાદ બારે મેઘ ખાંગા થયો છે. ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદને પગલે રોડ રસ્તાઓ હોય કે ખેતરો તમામ જગ્યાએ નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ટંકારીયા ગામની શાળાના ગ્રાઉન્ડમાં તળાવ ભરાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
પોરબંદરના ઘેડ વિસ્તારના 15થી વધુ ગામ સંપર્ક વિહોણા
ભારે વરસાદને પગલે તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને સેગરસ નજીક મુખ્ય રસ્તા પર પાણી ફરી વળ્યા છે. ત્યારે કાસાબડ, છત્રવા, જમરા, મહિયારી ભોગસર, ધરસન, કવલાકા, તરખાઈ ગામ સહિત 15 જેટલા ગામ સંપર્ક વિહોણા બન્યા છે અને ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે.


