ભુતાનના રાજા અને પ્રધાનમંત્રીનું ગુજરાતી સંસ્કૃતિ એવા ગરબાથી કરાયું સ્વાગત
ભુતાનના રાજા જીગ્મે ખેસર નામગ્યેલ વાંગચુક અને પ્રધાનમંત્રી
શેરિંગ તોબગે સોમવારે કેવડીયા એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. સૌથી ઉંચી સરદાર વલ્લભભાઇ પટેલની આ પ્રતિમા નિહાળી બન્ને નેતાઓ ભાવવિભોર બન્યા હતા અને આ કલાકૃતિને ખૂબ વખાણી હતી.ભુતાનના રાજા સાથેના પ્રતિનિધિ મંડળે એકતાનગર ખાતે પહોંચી બન્ને અતિથિઓનું ભાવભેર સ્વાગત કર્યું હતું. ગુજરાતની લોક સંસ્કૃતિમાં વણાયેલા ગરબાની જલક બન્ને મહાનુભાવોએ માણી હતી. બન્ને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર બાંધ વિશેની જાણકારી આપવામાં આવી હતી.
દેશની આઝાદીમાં સરદાર વલ્લભભાઇ પટેલના યોગદાન વિશેની અને વર્તમાન વડાપ્રધાને આ લોહ પુરુષની યાદને કાયમી યાદગાર બનાવવા માટે જે વિશાળ પ્રતિમાનું નિર્માણનું બીડુ ઝડપ્યું છે. તેના વિશેની જાણકારી અને આ પ્રતિમા નિર્માણમાં લોકોનો કેટલો સહકાર પ્રાપ્ત થયો હતો. તેની પણ જાણકરી બન્ને મહાનુભવોને આપવામાં આવી હતી.
મુલાકાત સમયે રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા, ભુતાનના ભારતીય રાજદૂત સુધાકર દેલેલા, ભુતાનના ભારત ખાતેના રાજદૂત મેજર જનરલ વેતસોપ નામગ્યેલ, વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ અનુરાગ શ્રીવાસ્તવ, એસઓયુના વડા મુકેશ પુરી, કલેક્ટર શ્વેતા તેવરીયા, સીઇઓ ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુ, પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે ઉપસ્થિત રહ્યા હતા.