- જમીનમાલિક જયેશ પટેલ, કાર્તિક પટેલે અધિક સચિવ, સુરત કલેક્ટરને ફરિયાદ કરી
- બે ભાઈની જમીનના ટાઈટલ સરખા હોવા છતાં એક જમીન જૂની શરત, બીજી નવી શરત
- 50 લાખ રૂપિયા નહીં આપતા બિનખેતીની અરજીમાં ઘોંચ ઊભી કરી હોવાનો આક્ષેપ
તત્કાલીન સુરત કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS આયુષ ઓક વધુ એક વિવાદમાં સપડાયા છે. પાલનપોરની બ્લોક નંબર 201 વાળી જમીન બિનખેતી કરવા માટે આયુષ ઓક અને ચીટનીશ મામલતદાર જિગ્નેશ જીવાણીએ 50 લાખ રૂપિયાની માંગણી કરી હોવાનો જમીનમાલિક જયેશ પટેલ અને કાર્તિક પટેલે ગંભીર આક્ષેપ કર્યો છે.
50 લાખ રૂપિયા નહીં આપતા બિનખેતીની અરજીમાં ઘોંચ ઊભી કરી ખોટી રીતે દફતરે કરી હોવાના આરોપ સાથે મહેસૂલ વિભાગના અધિક સચિવ અને સુરત જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરી છે. બે ભાઈઓની જમીનના ટાઈટલ સરખા હોવા છતાં એક બ્લોક નંબરની જમીન જૂની શરતની ગણી 2018માં બિનખેતીમાં તબદીલ કરવા હુકમ કરાયો હતો. જ્યારે બીજા બ્લોક નંબરવાળી જમીનને બિનખેતીમાં તબદીલ કરવા અરજી કરાતા આ જમીન નવી શરતની હોવાનું જણાવી પ્રિમિયમ ભરવાપાત્ર હોવાથી અરજી દફતરે કરી દેવામાં આવી હતી.
અડાજણના પાલનપોર વિસ્તારના સરવે નંબર 150/1, બ્લોક નંબર 201 વાળી જમીન જયેશ મગરભાઈ પટેલ અને કાર્તિક મગનભાઈ પટેલના નામે ચાલી આવે છે. જ્યારે તેમની બાજુમાં તેમના જ ભાઈની સરવે નંબર 98, બ્લોક નંબર 208 વાળી જમીન આવેલી છે. આ બંને જમીનના ટાઈટલ એકસરખા છે. હવે બ્લોક નંબર 208વાળી જમીન વર્ષ 2018માં બિનખેતીમાં તબદીલ કરવા અરજી કરાઈ હતી. તે સમયે સુરત કલેક્ટર તરીકે મહેન્દ્ર પટેલે જમીનનું ટાઈટલ જોઈ બિનખેતીમાં તબદીલ કરવા હુકમ કર્યો હતો. તેમણે જમીન જૂની શરતનું જ હોવાનું જણાવી બિનખેતીમાં તબદીલ કરી હતી.
હવે 2023ની સાલમાં બ્લોક નંબર 201વાળી જમીન બિનખેતી કરવા માટે જયેશ પટેલે અરજી કરતા તત્કાલિક સુરત કલેક્ટર અને સસ્પેન્ડેડ IAS આયુષ ઓકે નવી શરતની જમીન હોવાનું જણાવી પ્રીમિયમ ભરવાને પાત્ર હોવાથી અરજી દરફતે કરી દીધી હતી. હવે તે સમય અરજદાર ચીટનીશ મામલતદાર જિજ્ઞેશ જીવાણીને મળ્યા હતા. તે સમયે તેમણે 50 લાખ રૂપિયા અમદાવાદ મોકલવાના હોવાનું કહીને રોકડા 50 લાખ માંગ્યા હોવાનો જયેશ પટેલે આક્ષેપ કર્યો હતો. આ અંગે અધિક સચિવ અને જિલ્લા કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.


