- લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા
- નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં
- ભૂગર્ભ ગટર સહિત ડ્રેનેજની અલગ અલગ લાઈનો નાખવામાં આવી પણ સમસ્યા યથાવત
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરના શક્તિનગર વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જો કે તંત્રને અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આખરે હવે સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકો જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે અને સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી છે અને જો હવે સમસ્યાનો ઉકેલ નહીં લવાય તો સ્થાનિકોએ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સ્થાનિકો સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા
જિલ્લા મથક પાલનપુરમાં પાલનપુર નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટર સહિત ડ્રેનેજની અલગ અલગ લાઈનો નાખવામાં આવી છે. પરંતુ તે બાદ પણ શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં સામાન્ય વરસાદમાં જ પાણી ભરાવાની સમસ્યા છે, જેમાંનો એક એટલે પાલનપુરનો શક્તિનગર વિસ્તાર આ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ લોકોના ઘરોમાં પાણી ઘૂસે છે અને આ સમસ્યાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, જોકે ચોમાસાની શરૂઆત થઈ ત્યારથી આજ સુધીમાં સામાન્ય વરસાદમાં જ ત્રણ ત્રણ વખત સ્થાનિકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે.
નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી છતાં સમસ્યાનો કોઈ ઉકેલ નહીં
જોકે જે સમયે ઘરોમાં પાણી ઘૂસે અને સ્થાનિકો પાલિકાને જાણ કરે તો માત્ર પાલિકા સમસ્યાનો ઉકેલ લાવવાની જગ્યાએ વરસાદી પાણી પંપો દ્વારા ખેંચી દે છે. પરંતુ સમસ્યાનો કોઈ હલ લાવતી નથી અને તેને જ કારણે સ્થાનિકોમાં રોષ ભભુકી ઉઠ્યો છે, જોકે થોડા દિવસો અગાઉ ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ પાલનપુર નગરપાલિકા ખાતે પહોંચી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પાલનપુર નગરપાલિકાના પ્રમુખને રજૂઆત કરી સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી હતી.
સ્થાનિકોએ ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી
પરંતુ તે બાદ કોઈ ઉકેલ ન આવ્યો અને તે બાદ સામાન્ય વરસાદ થયો તેમાં ફરી વિસ્તારમાં પાણી ભરાતા સ્થાનિકો જિલ્લા કલેકટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા. જોકે હવે સ્થાનિકોની માંગ છે કે સમસ્યાનો કાયમી ઉકેલ તંત્રએ લાવવો જોઈએ, જો કોઈ ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિકોએ ધરણા પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. ત્યારે મહત્વની વાત છે કે પાલિકાએ ભૂગર્ભ અને ડ્રેનેજની લાઈન માટે લાખો કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે, પરંતુ તે બાદ પણ કોઈ ઉકેલ ન આવતા સરકારના લાખો કરોડોનો ધુમાડો થયો હોય તેવું લાગી રહ્યું છે.


