- 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળ ધરાવતી સ્કૂલો માટે ફાયર NOC ફરજિયાત કરાઈ
- અમદાવાદ ગ્રામ્યની 115 અને શહેરની 19 સ્કૂલોને NOC લેવા DEOની સૂચના
- અત્યાર સુધીમાં માત્ર 9 મીટરથી વધુ હાઇટ ધરાવતી સ્કૂલો માટે NOCનો આગ્રહ હતો
રાજકોટ અગ્નિકાંડ સહિત રાજ્યમાં આગની ઘટનાઓનું પ્રમાણ વધતાં હવે શૈક્ષણિક સ્કૂલો માટે પણ કડક નિયમો જાહેર કરાયા છે. સ્કૂલોમાં 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળનું બાંધકામ હોય તો ફાયર NOC ફરજિયાત કરવામાં આવી છે.જે અન્વયે અમદાવાદ ગ્રામ્યની 112 અને શહેરની 19 સ્કૂલોની હાઇટ 9 મીટરથી ઓછી છે પણ ક્ષેત્રફળ 500 ચો.મી.થી વધુ હોવાથી ફાયર NOC મેળવવી પડશે. આ સ્કૂલોને સમયસર NOC માટે અરજી કરવા શહેર અને ગ્રામ્ય ડીઈઓ દ્વારા સૂચના આપવામાં આવી છે.
સ્કૂલોમાં ફાયર સેફ્ટીને લઈ અત્યાર સુધીમાં જે જૂની ગાઇડલાઇન હતી એમાં જે બિલ્ડિંગની હાઇટ 9 મીટરથી ઓછી હોય તેવી સ્કૂલોને ફાયર NOCમાંથી મુક્તિ આપવામાં આવી હતી. આવી સ્કૂલોએ માત્ર સેલ્ફ ડેક્લેરેશન આપવાનું રહેતું હતું. જે અન્વયે તાજેતરમાં અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓમાં ફાયર સેફ્ટી ચકાસણી અંગે હાથ ધરાયેલા અભિયાનમાં 9 મીટરની ગાઈડલાઈનને અનુસરવામાં આવી હતી. પરંતુ ફરી સરકાર દ્વારા લેવાયેલ નિર્ણય અન્વયે શિક્ષણ વિભાગે નવો પરિપત્ર પ્રસિદ્ધ કર્યો છે. જે મુજબ 500 ચો.મી.થી વધુ ક્ષેત્રફળનું બાંધકામ હોય તેવી શાળાઓએ પણ ફરજિયાત ફાયર NOC લેવાની રહેશે. નવા નિયમ મુજબ શહેર વિસ્તારની 19 અને ગ્રામ્ય વિસ્તારની 115 સ્કૂલો એવી સામે આવી છે કે, જેઓની હાઇટ ઓછી હોવાથી તેમના પાસે અત્યારે ફાયર NOC નથી. માટે આવી સ્કૂલોને ડીઈઓ દ્વારા સુચના આપવામાં આવી છે કે, તાત્કાલિક ફાયર NOC માટે અરજી કરવામાં આવે. અરજી કર્યા બાદ જ્યાં સુધી NOC પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનુસરવાની ગાઇડલાઇન પણ જારી કરાઈ છે, જેમાં જણાવ્યું છે કે, બે કે તેથી વધારે માળ ધરાવતી શાળાઓએ ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો. જે શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારો હોય તે શાળાઓએ પાળી પદ્ધતિ ચલાવવી. જે શાળામાં ટેક્નોલોજી પૂરતા પ્રમાણમાં હોય તે ઓનલાઇન શિક્ષણ આપી શકશે. જે શાળાનો ફ્લોર એરિયા 500 ચો.મી.થી વધુ હોય તેવી શાળાઓએ શક્ય હોય ત્યાં સુધી 500 ચો.મી.થી ઓછા ફ્લોર એરિયાનો શૈક્ષણિક કાર્ય માટે ઉપયોગ કરવો.


