- છાંટોપાણી કરીને કાર લઈને લટાર મારવા નીકળ્યા હતા
- હળવદ પોલીસે ગુનો નોંધીને લોકઅપ ભેગા કર્યા
- કલમો મુજબ ગુનો દાખલ કરી હવાલાતની મહેમાનગતિ કરાવી હતી
હળવદ તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેનના પતિ સત્તાના મદમાં નશાની હાલતમાં કાર લઈને રોડ ઉપર નીકળ્યા બાદ પોલીસ ઉપર પાવર કરતા પોલીસે કાયદાનું ભાન કરાવી રાજકીય નશો ઉતારી નાખવા સાથે રૂ. 6 લાખની કાર કબજે કરી લાયસન્સ વગર ગાડી ચલાવવા સહિતની કલમો મુજબ ગુનો દાખલ કરી હવાલાતની મહેમાનગતિ કરાવી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ શુક્રવારની રાત્રે નશાની હાલતમાં હળવદ પોલીસ મથકના ગેટ પાસે સર્પાકારે જીજે- 36-એએલ – 1033 નંબરની બલેનો કાર લઈ લટાર મારવા નીકળેલા આરોપી મહેશ દેવકરણભાઈ કોપેણીયા(ઉ.31, રહે.રણછોડગઢ)વાળાને પોલીસે રોકતા આ મહાશય તાલુકા પંચાયતના કારોબારી સમિતિના ચેરપર્સનના પતિદેવ હોય પોલીસ સામે રોફ્ જમાવી જેમ ફવે તેમ વર્તન કરતા પોલીસ પણ અસ્સલ ખાખીના મિજાજમાં આવી ગઈ હતી અને સત્તાધારી પક્ષના રાજકીય આગેવાન સામે ઝુકવાને બદલે કાયદાપોથીના નિયમો મુજબ આ શખ્સ પાસે લાયસન્સ સહિતના પુરાવા માંગતા લાયસન્સ ન હોય લાયસન્સ વગર કેફ્ી પીણું પી ગાડી ચલાવવા મામલે એમવી એકટ અને પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી રૂ. 6 લાખની કિંમતની કાર કબજે કરી હવાલાતનો લ્હાવો આપ્યો હતો.


