- ઇઝરાયેલ પરના ગત 7 ઓક્ટો.ના હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો
- હાનિયા, દાઇફ માર્યા જતાં હમાસની ટોપ લીડરશિપમાં હવે માત્ર ગાઝા ચીફ સિનવાર બચ્યો
- બૈરુત સ્થિત ભારતીય દૂતાવાસે લેબેનોનમાં સ્થિત ભારતીય નાગરિકોને તત્કાળ લેબેનોન છોડવા જણાવ્યું
હમાસનો મિલિટરી ચીફ મોહમ્મદ દાઇફ ઇઝરાયેલના હવાઇ હુમલામાં માર્યો ગયો છે. દાઇફના મોતની ઘણા સમયથી ચર્ચા હતી પરંતુ ઇઝરાયેલી દળોએ ગુરુવારે તેની પુષ્ટિ કરી. દાવો કરાયો છે કે મોહમ્મદ દાઇફ ગાઝાના ખાન યૂનિસમાં 13 જુલાઇએ એક હવાઇ હુમલામાં માર્યો ગયો હતો.
ઇઝરાયેલ પરના ગત 7 ઓક્ટોબરના હુમલામાં હમાસના રાજકીય વડા ઇસ્માઇલ હાનિયા, લશ્કરી વડા મોહમ્મદ દાઇફ અને ગાઝાના ચીફ યાહ્યા સિનવારની મુખ્ય ભૂમિકા હતી. તેમાંથી હાનિયા અને દાઇફ માર્યા જતાં હમાસની ટોપ લીડરશિપમાં હવે માત્ર સિનવાર બચ્યો છે. ગાઝાનો ઓસામા બિન લાદેન કહેવાતો 58 વર્ષીય દાઇફ આ હુમલાનો માસ્ટરમાઇન્ડ હતો. તેણે જ હુમલાને ‘અલ અક્સા ફ્લડ’ નામ આપ્યું હતું. 1965માં ગાઝાના ખાન યૂનિસ રેફ્યૂજી કેમ્પમાં જન્મેલો દાઇફ 2002થી હમાસની મિલિટરી વિંગનો હેડ હતો. તે વર્ષોથી ઇઝરાયેલના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ટોપ પર હતો. 2014માં ઇઝરાયેલી હુમલામાં દાઇફની પત્ની, ત્રણ વર્ષની દીકરી અને સાત મહિનાનો દીકરો માર્યા ગયા હતા.
ભારતીય નાગરિકો લેબનોન છોડે : દૂતાવાસની એડવાઇઝરી
હમાસના પોલિટિકલ ચીફ ઇસ્માઇલ હાનિયાની તેહરાનમાં અને તે પહેલાં હિઝબુલ્લાના ટોપ કમાન્ડર ફુઆદ શુક્રની બૈરુતમાં ઇઝરાયેલી હુમલાઓમાં હત્યા બાદ ઇઝરાયેલે દુનિયાભરમાં તેના રાજદ્વારી મિશનોની સુરક્ષા વધારી દીધી છે જ્યારે બૈરુત સ્થિત ભારતીય દૂતાવાસે લેબેનોનમાં સ્થિત ભારતીય નાગરિકોને તત્કાળ લેબેનોન છોડવા જણાવ્યું છે. અમેરિકા, બ્રિટન સહિત ઘણા દેશોએ તેમના નાગરિકોને લેબેનોન ન જવા કહ્યું છે.


