- હમાસ વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ મિડલ-ઈસ્ટમાં સતત વધતો તણાવ
- ઈઝરાયલ, ઈરાન, લેબેનોન અને હમાસ સાથે ઘણા મોરચે એકલા હાથે લડી રહ્યું છે
- લેબનોને ઈઝરાયલ ઉપર 50 રોકેટ છોડી હુમલો કરી બદલો લીધો
ઈરાન દેશની રાજધાની તહેરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા પછી મિડલ ઈસ્ટમાં સતત તણાવમાં વધારો નોંધાઈ રહ્યો છે. રવિવારે પરોઢિયે લેબેનોન તરફથી ઈઝરાયલમાં 12થી વધુ મિસાઈલો છોડવામાં આવી હતી. આ દરમિયાન સતત ઈઝરાયલમાં સાયરનો ગૂંજી ઉઠી હતી. જેથી ઈઝરાયલમાં રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. જો કે તેનો દાવો છે કે તમામ મિસાઈલોને આયરન ડોમથી આકાશમાં જ નષ્ટ કરી દેવામાં આવી છે.
ઈરાને હાનિયાના મોત પાછળ ઈઝરાયલ હોવાનો કર્યો દાવો
ઈરાનની ઈસ્લામિક રિવોલ્યૂશનરી ગાર્ડ કોર્પ્સે હાનિયાની હત્યા સાથે સંકળાયેલ મોટો ખુલાસો કર્યો છે. તેઓના મતે હમાસ વડાને શોર્ટ રેંજ મિસાઈલથી ફાયર કરીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. આ મિસાઈલમાં સાત કિલો વિસ્ફોટક લાદવામાં આવ્યો હતો. આની પહેલા ઘણા રિપોર્ટમાં હાનિયાને બોમ્બ વિસ્ફોટથી મારવાનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે ઈરાનની સુરક્ષા એજન્સીએ હાનિયાના મોત પાછળ ઈઝરાયલનો સીધો હાથ હોવાનો દાવો કર્યો છે.
આ સાથે અમેરિકા પર પણ અમને ટેકો કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકા અને બ્રિટને તેમના નાગરિકોને લેબનોન છોડવાની સલાહ આપી છે. આ પહેલા ભારતે પણ પોતાના નાગરિકોને લેબનોન છોડવા કહ્યું હતું. હાલમાં મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત નાજુક તબક્કે છે. અહીં ગમે ત્યારે યુદ્ધ ફાટી શકે છે. ઈઝરાયેલે પણ પોતાના દેશમાં રોકેટ હુમલાને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે.


