- ટેંક વિસ્તારમાં વરસાદના કારણે ઘરની છત ધરાશાયી
- છત ધરાશાયી થવાથી 3 લોકોના થયા મોત
- 200થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
ઉત્તર પશ્ચિમી પાકિસ્તાનમાં રવિવારે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવ્યું છે અને સાથે છત ધરાશાયી થઈ છે. 24 કલાકમાં 11 લોકોના મોત થયા છે. આ સાથે ટેંક અને કરક જિલ્લામાં 7 લોકોના મોતની પુષ્ટિ થઈ છે અને સાથે ટેંક વિસ્તારમાં વરસાદના કારણે ઘરની છત ધરાશાયી થવાથી 3 લોકોના મોત થયા છે. આ ઘટનાને લઈને મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું છે.
શું કહ્યું મુખ્યમંત્રીએ
ખૈબર પખ્તૂનખાના મુખ્યમંત્રી અલી અમીન ગંડાપુરે નિધનને લઈને દુઃખ વ્યક્ત કર્યું છે અને વરસાદથી પ્રભાવિત પરિવારોને માટે સહાયની જાહેરાત કરી છે. ગંડાપુરના જિલ્લા પ્રશાસને વરસાદથી પ્રભાવિત લોકોને સર્વોત્તમ સહાય અને રાહત આપવાના આદેશ આપ્યા છે.
11 લોકોના થયા મોત
ભારે વરસાદે પાકિસ્તાનમાં કહેર વર્તાવ્યો છે. વરસાદની સાથે જોડાયેલી અલગ અલગ ઘટનામાં 24 કલાકમાં અહીં 11 લોકોના મોત થયા છે. આ સાથે બલૂચિસ્તાન અને દક્ષિણ પંજાબના અનેક વિસ્તારોમાં સંભવિત પૂરનું એલર્ટ જાહેર કર્યું છે.
ટેંક જિલ્લામાં ભારે વરસાદ
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના ટેંકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. નદી અને નાળામાં અચાનક પૂર આવ્યું છે.આ સાથે જ ટેંક અને દક્ષિણ વજીરિસ્તાનને પણ આવનજાવન માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય પૂરને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી કરાચીમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કાબુલ નદીની પાસે આવેલા વિસ્તારોમાં પૂરનો ખતરો છે.
200થી વધારે લોકોનું કરાયું રેસ્ક્યૂ
ઉલ્લેખનીય છે કે કોહ-એ-સુલેમાનમાં વરસાદના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટ્યો છે. મળતી માહિતિ અનુસાર રોઝાનમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યું છે. રાજનપુરના 200થી વધુ લોકોને રેસ્ક્યૂ કરીને સુરક્ષિત વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા છે.


