- જે અમને નુકસાન પહોંચાડશે, તેને અમે નુકસાન પહોંચાડીશું: નેતન્યાહુ
- અમેરિકા ઇઝરાયલની સુરક્ષા માટે તમામ સંભવ મદદ કરશે
- લેબનોન સરહદ પર તણાવ વધ્યા બાદ ગાઝા શાંતિ મંત્રણા જોખમમાં છે.
હિઝબુલ્લાના હુમલા બાદ સમગ્ર ઈઝરાયલમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઈઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે, તેણે હુમલા માટે તૈયાર હિઝબુલ્લાહની અનેક ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આગામી સંભવિત જોખમોને ધ્યાનમાં રાખીને સેનાએ પણ ઈમરજન્સી બેઠક યોજી છે. ઈઝરાયલના વિદેશ મંત્રીએ વિશ્વના વિદેશ મંત્રીઓને સંદેશ આપતા કહ્યુ કે, ઈરાન અને તેના સહયોગી દેશો વિરુદ્ધ ઈઝરાયલને સમર્થન આપો.
બેન્જામિન નેતન્યાહુએ હુમલા પર આપી પ્રતિક્રિયા
બીજી તરફ ઈઝરાયલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ હુમલા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, તેઓ ઉત્તરી ઈઝરાયલના નાગરિકોની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયાસ કરશે. આગામી હુમલાને રોકવા માટે ઇઝરાયલની સેનાએ લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે.
ઉત્તરની સુરક્ષા માટે બધું જ કરીશું
જ્યારે સેનાએ દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હવાઈ હુમલા શરૂ કર્યા, ત્યારે ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ કહ્યું કે, તેઓ ઉત્તરી ઇઝરાયલની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે બધું જ કરશે. નેતન્યાહુના ઓફિસ દ્વારા જાહેર એક નિવેદનમાં જણાવ્યું કે, અમે અમારા દેશની રક્ષા કરવા, ઉત્તરના રહેવાસીઓને સુરક્ષિત રીતે તેમના ઘરે પરત મોકવા અને એક સરળ નિયમનું પાલન કરવા ‘જે અમને નુકસાન પહોંચાડશે, અમે તેને નુકસાન પહોંચાડવા’ માટે પ્રતિબદ્ધ છીએ.
ફવાદ શુક્રની હત્યાનો બદલો
હુમલા બાદ હિઝબુલ્લાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, ફવાદ શુક્રના મોતનો બદલો લેવાનું શરૂ કરી દીધું છે. હિઝબુલ્લાહના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ઈઝરાયલની સેનાના ઠેકાણાઓને નિશાન બનાવીને 300થી વધુ રોકેટ છોડ્યા છે અને તેનો હુમલો સફળ રહ્યો છે. સાથે જ કહ્યું કે, તેઓ થોડા સમય માટે આવા હુમલા ચાલુ રાખશે. બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન પણ સ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકા ઇઝરાયલની સુરક્ષા માટે તમામ સંભવ મદદ કરશે.
ઇજિપ્તે યુદ્ધ ફેલાવાની આશંકા વ્યક્ત કરી
હિઝબુલ્લાહ અને ઇઝરાયલી દળો દ્વારા એકબીજા પર થયેલા હુમલા બાદ ઇજિપ્તે એક નિવેદન જાહેર કરીને યુદ્ધ ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે અને બન્ને પક્ષોને તણાવ ઓછો કરવાની અપીલ કરી છે. ઇજિપ્તની રાજધાની કાહિરામાં આજે ગાઝા યુદ્ધવિરામની વાતચીત પણ શરૂ થઇ છે. લેબનોન સરહદ પર તણાવ વધ્યા બાદ ગાઝા શાંતિ મંત્રણા જોખમમાં છે.


