- સાહસિકો માટે બેસ્ટ પ્લેસ છે એન્ટાર્કટિકા
- 98 ટકા વિસ્તાર છે બરફથી ઢંકાયેલો
- પર્વતારોહકો માટે આ સ્થળ છે આકર્ષણનું કેન્દ્ર
જો તમે સાહસ પ્રેમી હોવ, સક્રિય સંશોધક હોવ અથવા આરામ કરવાનું પસંદ કરતા પ્રવાસી હોવ તો એન્ટાર્કટિકામાં કરવા માટે ઘણી બધી અલગ વસ્તુઓ છે. એન્ટાર્કટિકાના દૂરના વિસ્તારોને અન્વેષણ કરવા માટે નાના પાયે અભિયાન ક્રૂઝ એ શ્રેષ્ઠ માર્ગ છે. તેના દ્વારા તમે એન્ટાર્કટિકાની મુલાકાત લઇ શકો છો.
એન્ટાર્કટિકાનું નામ તમે ઘણું સાંભળ્યું હશે. દરેકને આ ખંડ વિશે જાણવાની ઈચ્છા હોય છે અને કેટલાક લોકો અહીં ફરવાનું પણ વિચારે છે. જો કે અહીં મુલાકાત લેવી એટલી સરળ નથી, કારણ કે પૃથ્વી પર હાજર તમામ સાત ખંડોમાં એન્ટાર્કટિકા સૌથી ઠંડો ખંડ છે અને તેનું કારણ એ છે કે તેનો 98 ટકા વિસ્તાર બરફથી ઢંકાયેલો છે. એવું કહેવાય છે કે એન્ટાર્કટિકાની જમીન પર બરફ લગભગ બે કિલોમીટરના જાડા પડના રૂપમાં ફેલાયેલો છે. ત્યારે આવો જાણીએ એન્ટાર્કટિકા ખંડ પર શું છે ફરવા લાયક
માત્ર બે ઋતુ જ હોય છે
એન્ટાર્કટિકા ખંડ એ પૃથ્વી પર એકમાત્ર એવી જગ્યા છે જ્યાં છ મહિના દિવસ અને છ મહિના સુધી રાત હોય છે. અહીં બે જ ઋતુઓ છે, એક શિયાળો અને બીજી ઉનાળો. ઉનાળામાં અહીં છ મહિના સતત અજવાળું રહે છે અને શિયાળામાં છ મહિના અંધકાર રહે છે.
વિન્સન પર્વતમાળા
એન્ટાર્કટિકા ખંડના સૌથી ઊંચા શિખરનું નામ વિન્સન પર્વતમાળા છે જેને વિન્સન મેસિફ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લગભગ 4,892 મીટર ઊંચું શિખર છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ પર્વતની ટોચ પર પદ્મશ્રી ડૉ. અરુણિમા સિન્હાએ પણ ભારતીય ધ્વજ ફરકાવ્યો છે. આ આકર્ષક શિખર પર્વતારોહકોને ખૂબ આકર્ષે છે.
એન્ટાર્કટિક દ્વીપકલ્પ
એન્ટાર્કટિક ખંડના ઉત્તર ભાગમાં સ્થિત છે, તે મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ સ્થળોમાંનું એક છે. આ જગ્યાને ‘બરફના જંગલોનું ઘર’ પણ કહેવામાં આવે છે. અહીંના પર્વતીય શિખરો અને વિશાળ ગ્લેશિયર મનને મોહી લે છે. તમે અહીં મોટી સંખ્યામાં પેન્ગ્વિન જોઈ શકો છો.
શેટલેન્ડ ટાપુઓ
દક્ષિણ શેટલેન્ડ ટાપુઓ એન્ટાર્કટિકામાં જોવા લાયક સુંદર સ્થળો પૈકી એક છે. સંપૂર્ણપણે બરફથી ઢંકાયેલો આ ટાપુ એન્ટાર્કટિક દ્વીપકલ્પની ઉત્તરે 160 કિલોમીટર દૂર સ્થિત છે, જ્યાં હાલના સંશોધન કેન્દ્રોમાં વિવિધ દેશોના સંશોધકો સંશોધન કરવા આવે છે.
ક્યારે જવુ એન્ટાર્કટિકા ?
એન્ટાર્કટિકામાં ડ્રેક પેસેજ, ફોકલેન્ડ ટાપુઓ, દક્ષિણ જ્યોર્જિયા (મધ્ય મહાસાગરમાં આલ્પ્સ) સહિત અન્ય ઘણા જોવાલાયક સ્થળો છે. અહીં મુસાફરી કરવી એક સાહસ છે, જે દરેક માટે શક્ય નથી. બહુ ઓછા લોકો અહીં ફરવા માટે આવે છે. ઉનાળાની ઋતુ એન્ટાર્કટિકા ખંડની મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય માનવામાં આવે છે.


