એલન મસ્કની સ્પેસ એક્સ દ્વારા અંતરિક્ષમાં ઈતિહાસ રચવામાં આવ્યો છે. 4 અવકાશયાત્રીઓને લઈને અવકાશમાં ગયેલું ખાનગી અંતરિક્ષ મિશન પોલારિસ ડૉન સાંગોપાંગ પાર પડયું છે.
ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં લટાર મારીને હેમખેમ પૃથ્વી પર પાછા ફર્યા છે. શનિવારે બપોરે 1 કલાકે ફ્લોરિડાનાં ટોર્ટુગાસ કોસ્ટ ખાતે યાને સફળ લેન્ડિંગ કર્યું છે. પાંચ દિવસનું આ મિશન પાર પાડવા યાનને રોકેટ દ્વારા 10મીએ લૉન્ચ કરાયું હતું. આ મિશન હેઠળ બે અંતરિક્ષયાત્રીઓએ અવકાશમાં સ્પેસ વૉક કર્યું હતું. આ અભિયાનનું નેતૃત્વ ફિનટેક અબજોપતિ ઝેરેડ ઈસાકમેન દ્વારા કરાયું હતું. આ ઉપરાંત કિડ પોટેટ, સારા ગિલિસ અને અન્ના મેનન પણ સ્પેસશિપમાં સવાર થયા હતા. સ્પેસક્રાફ્ટને મસ્કની કંપનીનાં રોકેટ ફાલ્કન -9 દ્વારા લૉન્ચ કરાયું હતું. અંતરિક્ષયાત્રીઓને લઈને યાન ભ્રમણકક્ષામાં 1408 કિ.મી દૂર ગયું હતું.
બે અવકાશયાત્રીઓ દ્વારા સ્પેસવૉક
મિશનમાં બે અવકાશયાત્રી મિશન કમાન્ડર ઈસાકમેન દ્વારા હૅચ ખોલીને સ્પેસવૉક કરાયું હતું. સ્પેસએક્સનાં એન્જિનિયર સારા ગિલિસે પણ સ્પેસવૉક કર્યું હતું. આ માટે તેમનું અવકાશયાન 434 માઈલ સુધી નીચે લાવવામાં આવ્યું હતું. સ્પેસક્રાફ્ટ માટે પૃથ્વી પર સલામત પાછા આવવાનું કામ પડકારરૂપ હતું. પૃથ્વીનાં વાતાવરણમાં પ્રવેશતી વખતે તેની સ્પીડ કલાકનાં 27,000 કિ.મીની હતી. હવા સાથે ઘર્ષણ પછી તેનું તાપમાન 1900 ડીગ્રી સેલ્શિયસ થઈ ગયું હતું.


