અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે બેઠક અને QUAD સમિટમાં ભાગ લીધા બાદ PM નરેન્દ્ર મોદી ન્યૂયોર્ક પહોંચ્યા છે. તેઓ નાસાઉ વેટરન્સ કોલેજિયમ ખાતે પ્રવાસી ભારતીયોની સભાને સંબોધન કરશે.
આ ઈવેન્ટને મોદી અને યુએસ પ્રોગ્રેસ ટુગેધર નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે 25 હજારથી વધુ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આયોજકોના જણાવ્યા મુજબ કાર્યક્રમની તમામ સીટો ભરાઈ ગઈ છે. પ્રવાસી ભારતીયોમાં આને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. PM મોદીના સંબોધન પહેલા સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત થઈ ગઇ છે.
મોદીએ કહ્યું- QUAD સાથે મળીને ચાલવું જરૂરી
આ પહેલા PM મોદીએ શનિવારે ડેલાવેરમાં ક્વાડ સમિટમાં મહત્વપૂર્ણ વાતો કહી હતી. તેમણે કહ્યું કે વિશ્વ સંઘર્ષોથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં, QUADએ એકસાથે આગળ વધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સમિટ પહેલા PM મોદીએ શનિવારે રાત્રે રાષ્ટ્રપતિ બાઇડન સાથે તેમના ડેલાવેર સ્થિત નિવાસસ્થાને મુલાકાત કરી હતી. બંને વચ્ચે લગભગ એક કલાક સુધી દ્વિપક્ષીય મુલાકાત થઈ હતી. બાઇડને PM મોદીની યુક્રેન અને પોલેન્ડની મુલાકાતની પ્રશંસા કરી હતી.
આ સિવાય બંને નેતાઓ વચ્ચે ડ્રોન ડીલ પર પણ ચર્ચા થઈ હતી. બાઇડને ભારત સાથેની આ ડીલને આવકારી છે. ભારત યુએસ પાસેથી 31 MQ-9B SKY ગાર્ડિયન અને SEA ગાર્ડિયન ડ્રોન ખરીદવાની પ્રક્રિયામાં છે. આ ડ્રોનની કિંમત લગભગ 3 અબજ ડોલર છે.


