ચાર વખતની ચેમ્પિયન માન્ચેસ્ટર સિટી સામે 2-0થી વિજય હાંસલ કરીને લિવરપૂલે ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબોલના પોઇન્ટ ટેબલમાં નવ પોઇન્ટની લીડ મેળવી લીધી છે. કોડી ગાક્પો અને મોહમ્મદ સાલાહે ગોલ કરીને લીગમાં અન્ય ટીમો કરતાં પોતાની ટીમની સ્થિતિને વધારે મજબૂત બનાવી હતી.
બીજી તરફ સિટી માટે પોતાના ટાઇટલને જાળવી રાખવા માટે સંઘર્ષ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. પરાજયના કારણે સિટીની ટીમ પાંચમા ક્રમાંકે સરકી ગઈ છે અને તે લિવરપૂલ કરતાં 11 પોઇન્ટ પાછળ થઈ ગઈ છે. લીગની અન્ય મેચમાં માન્ચેસ્ટર યુનાઇટેડે એવરટન સામે 4-0થી વિજય હાંસલ કર્યો હતો. યુનાઇટેડ માટે માર્કસ રશફોર્ડે 35મી અને 46મી તથા જોશુઆ ઝિર્કિઝીએ 41મી અને 64મી મિનિટે ગોલ કર્યા હતા. આ મેચમાં કુલ પાંચ ખેલાડીઓને યલો કાર્ડ આપવામાં આવ્યા હતા.ઇંગ્લિશ પ્રીમિયર લીગની અન્ય મેચોમાં ચેલ્સીએ એસ્ટન વિલા સામે 3-0થી મેચ જીતી હતી. આ મેચમાં ચેલ્સી માટે નિકોલસ જેકસને માત્ર સાતમી મિનિટે ગોલ કરીને ટીમને 1-0ની લીડ અપાવી દીધી હતી. ત્યારબાદ ઇન્ઝો ફર્નાન્ડેઝે 36મી તથા મેચના અંત ભાગમાં કોલે પામરે 83મી મિનિટે ગોલ કરીને ટીમનો એકતરફી અંદાજમાં વિજય નિશ્ચિત કર્યો હતો. ટોટનહામ અને ફુલહામ વચ્ચેની મેચ 1-1થી ડ્રો થઈ હતી. ટોટનહામ માટે બ્રેનાન જોનસને 54મી મિનિટે ગોલ કર્યો હતો. ત્યાબાદ ટોમ કેર્નીએ 67મી મિનિટે ગોલ કરીને ફુલહામ માટે સ્કોર 1-1થી સરભર કરીને મેચ ડ્રો કરી હતી. જોકે ટોમ કેર્નીને મેચની 83મી મિનિટે રેડ કાર્ડ મળતા તેને મેદાન છોડવાની ફરજ પડી હતી અને તે આગામી મુકાબલામાં રમી શકશે નહીં.


