પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને મોટું અને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ ટીમ અને વિરાટ કોહલી પાકિસ્તાનમાં રમવા માટે ઉત્સુક છે, પરંતુ ભારત સરકાર આવું થવા દેતી નથી. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) આવતા વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લેવા માટે હાઇબ્રિડ મોડલ પર અડગ છે.
શોએબ અખ્તરે કર્યો ચોંકાવનારો દાવો
શોએબ અખ્તરે લાઈવ ટેલિવિઝન પર કહ્યું, “ભારત પાકિસ્તાન કરતાં પાકિસ્તાનમાં રમવા માટે વધુ ઉત્સુક છે. વિરાટ કોહલી કદાચ પાકિસ્તાનમાં રમવા માટે બેતાબ હશે. મેં BCCI સાથે કામ કર્યું છે. જો ભારત પાકિસ્તાનમાં રમવા આવે છે, તો ટીવીના અધિકારોની કિંમતો અને પ્રાયોજકો આસમાને પહોંચશે.”
આ ચર્ચામાં પૂર્વ પાકિસ્તાની ખેલાડી મોહમ્મદ હફીઝે તેને પૂછ્યું કે, તો પછી તે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યો? શોએબ અખ્તરે આનો સીધો જવાબ આપતા કહ્યું કે, તેમની સરકાર આ ઈચ્છતી નથી.
હાઇબ્રિડ મોડલ માટે PCB તૈયાર
આ વિવાદ વચ્ચે PCBના અધ્યક્ષ મોહસીન નકવીએ મીડિયા સાથે વાત કરતા ચેમ્પિયન્સ ટ્રોફી માટે હાઇબ્રિડ મોડલની લગભગ પુષ્ટિ કરી દીધી છે. તેણે કહ્યું, “અમે આઈસીસી સમક્ષ અમારા મંતવ્યો રજૂ કર્યા છે અને ભારતે પણ પોતાનો અભિપ્રાય આપ્યો છે. અમારો પ્રયાસ ક્રિકેટ જીતવાનો અને દરેકનું સન્માન જાળવી રાખવાનો છે. પાકિસ્તાનનું ગૌરવ પણ મહત્વપૂર્ણ છે. અમે ક્રિકેટ માટે જે શ્રેષ્ઠ હશે તે કરીશું.” મોહસીન નકવીએ એ વાત પર પણ ભાર મૂક્યો કે પાકિસ્તાનની ગરિમા અને રાષ્ટ્રીય ગૌરવ જાળવવું તેની પ્રાથમિકતા છે. તેણે કહ્યું, “પાકિસ્તાનનું ગૌરવ સૌથી મહત્વનું છે. આપણે એ સુનિશ્ચિત કરવું પડશે કે ક્રિકેટ જીતે પરંતુ પાકિસ્તાનની ગરિમા પણ અકબંધ રહે.”


