ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી તાજેતરમાં કોચ રમાકાંત આચરેકરના સ્મારક કાર્યક્રમમાં સામેલ થયા હતા. આ દરમિયાન તે તેના બાળપણના મિત્ર સચિન તેંડુલકરને મળ્યા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તેની ગંભીર હાલત સ્પષ્ટ જોઈ શકાય છે. તે શારીરિક રીતે ખૂબ જ કમજોર દેખાતા હતા અને ઇવેન્ટ દરમિયાન બોલવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. તેમની હાલત જોઈને ટીમ ઈન્ડિયાના ચાહકો અને પૂર્વ ખેલાડીઓએ ચિંતા વ્યક્ત કરી છે. આ દરમિયાન દિગ્ગજ ભારતીય ખેલાડી કપિલ દેવ કાંબલીની મદદ માટે આગળ આવ્યા છે અને તેમની સારવારનો ખર્ચ ઉઠાવવા કહ્યું છે. પરંતુ આ માટે એક શરત રાખી છે.
કોચ આચરેકરના મેમોરિયલ ઈવેન્ટમાં આપી હાજરી
વિનોદ કાંબલીને દારૂની લત છે. જેના કારણે તેમના ઘણા સાથી ક્રિકેટરો તેનાથી દૂર થઈ ગયા છે. કોચ આચરેકરના મેમોરિયલ ઈવેન્ટમાં પણ સચિન તેમને મળતા સમયે ઘણા ખચકાયા હતા. કાંબલીએ તેમનો હાથ પકડી રાખ્યો હતો અને તેમને જવા દેતા ન હતા. જો કે, આ બધું હોવા છતાં, ભારતને પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર કેપ્ટન કપિલ દેવ સહિત તેની ટીમના ઘણા ખેલાડીઓએ મદદની ઓફર કરી છે.
કપિલ દેવે રાખી શરત
1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના બલવિંદર સિંધુએ કહ્યું છે કે તેણે કપિલ દેવ સાથે વાત કરી છે અને તે કાંબલીને આર્થિક મદદ કરવા માંગે છે. કપિલ દેવ ઈચ્છે છે કે કાંબલી પોતે પહેલા રિહેબ માટે જાય. આ પછી સારવાર ગમે તેટલી લાંબી ચાલે, બધા એકસાથે બિલ ચૂકવવા માટે તૈયાર છે. તમને જણાવી દઈએ કે આ પહેલા કપિલદેવે પૂર્વ ખેલાડી અને કોચ અંશુમન ગાયકવાડને કેન્સરની સારવારમાં મદદ કરી હતી.
કાંબલીના નજીકના મિત્રએ ઇનકાર કર્યો હતો
વિનોદ કાંબલીના નજીકના સાથી અને ભૂતપૂર્વ ભારતીય સ્થાનિક અમ્પાયર માર્કસ કુટોએ એક ઈન્ટરવ્યુમાં કોઈપણ પ્રકારની સારવાર કરાવવાનો ઈન્કાર કરી દીધો છે. તેમણે ખુલાસો કર્યો કે કાંબલી ઘણી ગંભીર બીમારીઓથી પીડિત છે. તે 14 વખત રિહેબમાં ગયા છે. તેથી હવે તેને રિહેબમાં મોકલવાનો કોઈ અર્થ નથી. તે પોતે તેને 3 વખત રિહેબમાં લઈ ગયો પણ કંઈ કામ ન થયું અને તેની લત છૂટી નહીં.


