રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયાને એડિલેડમાં પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચમાં 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ સાથે રોહિતે ટેસ્ટ કેપ્ટન તરીકે સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો છે. આ મેચ હારીને તેના નામે વધુ એક શરમજનક રેકોર્ડ જોડાઈ ગયો છે, જ્યાં તે ઓસ્ટ્રેલિયા સામે સૌથી ઝડપી ટેસ્ટ મેચ હારી ચૂકેલી ભારતીય ટીમનો ભાગ બની ગયો છે. આ મેચ માત્ર 1031 બોલ સુધી ચાલી હતી.
રોહિતના નામે થયો અનિચ્છનિય રેકોર્ડ
આ મેચમાં હાર સાથે, રોહિત હવે ભારતીય કેપ્ટનોની અનિચ્છનીય યાદીમાં સામેલ થઈ ગયો છે જેઓ સતત 4 ટેસ્ટ હાર્યા છે. રોહિત અહીં દત્તા ગાયકવાડ (1959), એમએસ ધોની (2011, 2014) અને વિરાટ કોહલી (2020-21) ની શરમજમક રેકોર્ડની યાદીમાં જોડાયો છે. ભારતીય કેપ્ટન તરીકે સૌથી લાંબી હારનો રેકોર્ડ હજુ પણ MAK પટૌડીના નામે છે, જેઓ 1967-68માં સતત 6 મેચ હારી ગયા હતા. આ યાદીમાં તેના પછી સચિન તેંડુલકરનું નામ આવે છે, જેની કેપ્ટન્સીમાં ટીમ 1999માં સતત 5 મેચ હારી હતી.
માત્ર 175 રનમાં સમેટાઈ ગઈ હતી ટીમ ઈન્ડિયા
128-5ના સ્કોરથી આગળ રમતી ટીમ ઈન્ડિયા ત્રીજા દિવસે માત્ર 47 રન જ ઉમેરી શકી અને 36.5 ઓવરમાં 175 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ટીમ માટે સૌથી વધુ રન નીતીશ કુમાર રેડ્ડીએ બનાવ્યા, જેમણે પોતાના બેટથી 42 રન બનાવ્યા. કેપ્ટન પેટ કમિન્સે શાનદાર 5 વિકેટ સાથે ઓસ્ટ્રેલિયાનું નેતૃત્વ કર્યું કારણ કે યજમાનોએ 5 મેચની સિરીઝ 1-1થી બરાબર કરી હતી. ભારત દ્વારા આપવામાં આવેલા સાધારણ લક્ષ્યનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાના ઓપનર નાથન મેકસ્વિનીએ 10 રન અને ઉસ્માન ખ્વાજાએ 9 રન બનાવ્યા હતા અને પોતાની ટીમને 3.2 ઓવરમાં આરામથી જીત અપાવી હતી. હવે બંને ટીમો વચ્ચે આ સિરીઝની ત્રીજી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા ખાતે રમાશે.
એડિલેડમાં 1031 બોલમાં સમાપ્ત થઈ મેચ
એડિલેડ ટેસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોલની દ્રષ્ટિએ સૌથી ટૂંકી ટેસ્ટ મેચ બની ગઈ છે. આ ટેસ્ટમાં માત્ર 1031 બોલ રમાયા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે ભારત કરતા વધુ બોલ રમ્યા હતા. ભારતનો પ્રથમ દાવ 44.1 ઓવરમાં 180 રનમાં સમેટાઈ ગયો હતો. જ્યારે ઓસ્ટ્રેલિયાનો બીજો દાવ 87.3 ઓવરમાં સમેટાઈ ગયો હતો. આ પછી ભારતે બીજા દાવમાં 36.5 ઓવરમાં 175 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં 19 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 3.2 ઓવરમાં મેળવી લીધો હતો. આ રીતે, ચાર ઇનિંગ્સમાં કુલ 1031 બોલ ફેંકવામાં આવ્યા હતા અને આ મેચ બંને દેશો વચ્ચેની સૌથી ટૂંકી ટેસ્ટ (બોલની દ્રષ્ટિએ) બની હતી.
ઈન્દોર ટેસ્ટનો રેકોર્ડ તૂટ્યો
આ કિસ્સામાં, માર્ચ 2023માં બંને ટીમો વચ્ચે રમાયેલી ઈન્દોર ટેસ્ટનો રેકોર્ડ તૂટી ગયો છે. ગત વર્ષે ભારતમાં યોજાયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં કુલ 1135 બોલ રમાયા હતા. આ ટેસ્ટ પણ ઓસ્ટ્રેલિયન ટીમે જીતી હતી. અગાઉ 2012માં પર્થમાં 1200 બોલ, 2004માં મુંબઈમાં 1213 બોલ અને 2020માં એડિલેડમાં 1246 બોલ રમાયા હતા.


