પેરિસ ઓલિમ્પિકમાં હોકી ટીમને સતત બીજો મેડલ અપાવનાર સુકાની હરમનપ્રીત સિંહ તથા પેરાલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર હાઇ જમ્પર પ્રવીણ કુમારના નામને ભારતના સર્વોચ્ચ રમત સન્માન મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. પેરિસ ઓલિમ્પિકમાં જ મેડલ હાંસલ કરનાર શૂટર સ્વપ્નિલ કુસાલે તથા રેસલર અમન સેહરાવતને અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે પરંતુ પેરિસ ઓલિમ્પિકની શૂટિંગ ઇવેન્ટમાં બે મેડલ જીતનાર ભારતની મહિલા શૂટર મનુ ભાકરના નામને નોમિનેટ કરવામાં આવ્યું નથી.
માનવામાં આવી રહ્યું છે કે મનુએ ખેલરત્ન માટે અરજી કરી નથી પરંતુ રમત મંત્રાયલ તથા નેશનલ રાઇફલ શૂટિંગ એસોસિયેશન દ્વારા પણ તેના નામ અંગે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. મંત્રાલયે ગયા વર્ષે ક્રિકેટર મોહમ્મદ શમીને જાતે જ અર્જુન એવોર્ડ આપ્યો હતો. મનુના પિતા રામકિશન ભાકરે જણાવ્યું હતું કે મનુએ ખેલ રત્ન માટે અરજી કરી છે. બીજી તરફ એનઆરએઆઇના પ્રમુખ કલિકેશે જણાવ્યું હતું કે એવોર્ડ માટે નામ મોકલવાની અથવા અરજી કરવાની જવાબદારી એથ્લેટ્સની રહેતી હોય છે. અમે યાદીમાં તેનું નામ ના જોયું ત્યારે રમતમંત્રાલયને મનુને ખેલ રત્ન માટે નોમિનેટ કરવાની વિનંતી કરી છે.સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ જસ્ટિસ વી. રામાસુબ્રમણ્યમના નેતૃત્વ હેઠળની 12 સભ્યની એવોર્ડ સમિતિએ પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતનાર સાત ખેલાડી (હોકીના પાંચ) તથા 17 પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવા માટેની ભલામણ કરી છે. કુલ 30 ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવશે. દેશને પેરાલિમ્પિકમાં પ્રથમ મેડલ જીતાડનાર પેરા સ્વિમર પદ્મશ્રી મુરલીકાંત પેટકરની લાઇફ ટાઇમ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.
દ્રોણાચાર્ય એવોર્ડની નિયમિત કેટગરી માટે ચાર અને લાઇફટાઇમ કેટેગરી માટે બે નામની ભલામણ કરવામાં આવી છે. તેમાંથી પેરાશૂટિંગ કોચ સુભાષ રાણા, પેરા એથ્લેટિક કોચ અમિત સરોહા પણ સામેલ છે. ખેલાડી તરીકે પણ રમી રહેલા સરોહાના નામ સામે મંત્રાલયે વિરોધ વ્યક્ત કર્યો છે.


