કાર્લોસ એગુસ્ટો અને માર્કસ થૂરમના ગોલ વડે ઇન્ટર મિલાને સિરી-એ લીગ ફૂટબોલમાં કોમોને 2-0થી હરાવીને ચેમ્પિયનશિપમાં અજેય રહેવાની પરંપરા જાળવી રાખી છે. ટોચની ઇટાલિયન ક્લબે સતત 11 મેચથી અજેય રહેવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. તે લીગમાં હવે ટોચના ક્રમે રહેલી એટલાન્ટા કરતા માત્ર ત્રણ પોઇન્ટ પાછળ છે.
બંને ગોલ બીજા હાફમાં નોંધાયા હતા. કોમોએ મેચની 60મી મિનિટે ગોલ કરવાની તક ઊભી કરી હતી પરંતુ ઇન્ટરના ગોલકીપર યાન સોમનરે હરીફ ખેલાડી નિકો પાઝેના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. થુરમે વર્તમાન સિઝનમાં પોતાનો 12મો ગોલ નોંધાવ્યો હતો. ઇન્ટર મિલાન લીગમાં હાલ ત્રીજા ક્રમે છે અને તે નાપોલા કરતાં એક પોઇન્ટ પાછળ છે. જોકે તેની પાસે હજુ એક મેચ બાકી છે. ડિસેમ્બરની શરૂઆતમાં ફ્લોરેન્ટીના સામેની મેચ કેટલાક કારણોસર રદ કરવામાં આવી હતી. કોમો લીગમાં 16મા ક્રમે સરકી ગઈ છે અને તે બીજા ડિવિઝનમાં રેલિગેટ થવા માટેની સિસ્ટમથી એક પોઇન્ટ આગળ છે.


