એસએજી મોલ્કેમ વિમેન્સ ટેનિસ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલ મેચમાં અમદાવાદની ટેનિસ ખેલાડી ઝીલ દેસાઇએ આગેકૂચ કરી છે. ટૂર્નામેન્ટમાં સેકન્ડ સીડ સ્થાનિક ખેલાડી ઝીલ દેસાઇએ જે મેટોસ સિક્વેરા ફર્નાન્ડિઝને 7-5,2-6, 6-2થી પરાજય આપીને સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ઝીલની મેચ 2 કલાક અને 14 મિનિટ સુધી ચાલી હતી. ટોપ સીડેડ રશિયાની યાશિનાએ નિટ્ટુરેને સીધા સેટમાં પરાજય આપીને આગેકૂચ કરી હતી. 30 વર્ષીય અનુભવી ખેલાડી યાશિનાએ પહેલા સેટમાં મથામણ કરવી પડી હતી. પહેલા સેટમાં 43 મિનિટ જ્યારે બીજા સેટમાં તેણે 36 મિનિટમાં જીત મેળવી હતી. ઝીલ દેસાઇની મેચ રસપ્રદ રહી હતી. પહેલા સેટમાં ઝીલ દેસાઇને હરીફે આકરો પડકાર આપ્યો હતો જ્યારે બીજા સેટમાં તેની હરીફે શાનદાર રમતનું પ્રદર્શન કરતા જીત મેળવી હતી પરંતુ ત્રીજા સેટમાં ઝીલએ પોતાના વ્યાપક અનુભવનું પ્રદર્શન કરતા સરળતાથી જીતી લીધો હતો અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
એક અન્ય મેચમાં ડેનમાર્કની ઇ. જામશિદિએ જાપાનની કોબાયાશીને 53 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં સીધા સેટમાં 6-1,6-3થી પરાજય આપ્યો હતો. જ્યારે વૈષ્ણવી અડકારે માયા રેવતીને 6-1,7-6થી હાર આપી હતી. ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં નિટ્ટર અને સોહા સાદિકની જોડીએ અમદાવાદની ખુશાલી મોદી અને સેજલ ભુતડાની જોડીને 6-4,6-2થી હરાવી હતી. જ્યારે કોબાયાશી અને નાગાટાની જોડીએ પી ભંડારી અને પી પંવારની જોડીને 6-1, 6-0થી હરાવી હતી. પી. ઇંગ્લે અને વી. અડકારની જોડીએ ચિલકાદાપુડી અને એમ. સાવંતની જોડીને પરાજય આપ્યો હતો. જ્યારે માયા રેવતી અને લક્ષ્મીપ્રભાની જોડીએ એ. રાઠી અને કે ભાટિયાની જોડીને સંઘર્ષપૂર્ણ મુકાબલામાં 2-6, 6-4 અને 10-7થી હાર આપી હતી.


