જાકાર્તા એશિયન ગેમ્સમાં બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતનારી ભારતની સ્ટાર એથ્લીટ હિમા દાસ પર વ્હેર એબાઉટ ફેલ્યોર (ટેસ્ટ માટે સરનામાની જાણકારી નહીં આપવી) માટે તેની પર 16 મહિનાનો પ્રતિબંધ લદાયો હતો. તેની પર આ પ્રતિબંધ 22 જુલાઇ, 2023થી લગાવાયો હતો. વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી (વાડા) અને નેશનલ ડોપિંગ એજન્સી (નાડા)એ હિમા પર કેસના પરસ્પર સમાધાન સમજૂતી હેઠળ આ પ્રતિબંધ લાદ્યો છે.
અન્યથા તેની પર બે વર્ષનો પ્રતિબંધ પણ લાગી શકતો હતો. હિમા પરનો આ પ્રતિબંધ આ વર્ષે 22 નવેમ્બરના રોજ સમાપ્ત થઇ ગયો હતો. હિમા દાસને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વ્હેર એબાઉટ ફેલ્યોર માટે નાડાએ અસ્થાયી રીતે પ્રતિબંધિત કરી દીધી હતી. નાડાની ટીમ ત્રણ વાર તેણે આપેલા સરનારા પર સેમ્પલ લેવા પહોંચી હતી પરંતુ ત્રણેય વાર હિમા મળી નહોતી. નાડાની સુનાવણી પેનલે હિમા સામે લગાવાયેલા તમામ આરોપ પરત લઇ તેને મુક્ત કરી દીધી હતી. નાડાએ તેની સામે અપીલ કરી હતી. ત્યારબાદ વાડાએ આ કેસને સ્પોટ્ર્સ ટ્રિબ્યૂનલમાં પડકારવાનો નિર્ણય લીધો હતો. તે વિશે હિમાને જણાવાયું હતું કે તે વાડાના કોડ 10.8.2 હેઠળ કેસમાં પરસ્પર સમજૂતી માટે તૈયાર છે કે પછી તે કેસ લડવા માગે છે. હિમાએ પરસ્પર સમજૂતી માટે તૈયારી બતાવી હતી અને તે બાદ તેની પર આ વર્ષે નવેમ્બરના રોજ પાછલી તારીખથી 16 મહિનાનો પ્રતિબંધ લદાયો હતો.


