ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની સિરીઝની ચોથી મેચ ગુરુવારથી મેલબોર્ન પર રમાશે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાની નજર ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પર રહેશે, જે મેચમાં પોતાના નામે મોટી સિદ્ધિ કરી શકે છે. ડાબોડી ઝડપી બોલર સ્ટાર્ક હાલ શાનદાર ફોર્મમાં છે અને જો સ્ટાર્ક આ ટેસ્ટ મેચમાં પાંચ વિકેટ ઝડપી લેશે તો તે ઓસ્ટ્રેલિયાનો ચોથો એવો બોલર બનશે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 700 વિકેટ ખેરવી હોય.
મિચેલ સ્ટાર્ક વર્તમાન ક્રિકેટ સિરીઝમાં હજુ સુધીમાં 14 વિકેટ ઝડપી ચૂક્યો છે. તેણે પિન્ક બોલ ટેસ્ટમાં 6 વિકેટ ઝડપી હતી. આ સિરીઝમાં તે જસપ્રીત બુમરાહ બાદ સૌથી વધારે વિકેટ ઝડપવાના મામલે બીજા ક્રમે છે. જોકે, સ્ટાર્કના નિશાન પર મેલબોર્ન ટેસ્ટમાં પાંચ વિકેટ ઝડપવાનું ટાર્ગેટ રહેશે જો તે પાંચ વિકેટ ઝડપી લેશે તો ઓસ્ટ્રેલિયા વતી 700 વિકેટ ઝડપનારા બોલર્સની ક્લબમાં સામેલ થઇ જશે. ક્રિકેટમાં હાલ સ્ટાર્કના નામે 695 આંતરરાષ્ટ્રીય વિકેટ છે.ઓસ્ટ્રેલિયાનો મહાન સ્પિનર દિવંગત શેન વોર્ન (1001 વિકેટ), પૂર્વ ઝડપી બોલર ગ્લેન મેકગ્રા (949 વિકેટ) અને બ્રેટ લી (718 વિકેટ) ઓસ્ટ્રેલિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે વિકેટ ઝડપી ચૂક્યા છે. સ્ટાર્કે 284 આંતરરાષ્ટ્રીય મેચમાં 25.67ની સરેરાશથી 695 વિકેટ ઝડપી છે. તેનો સર્વશ્રોષ્ઠ આંકડો 6/28 છે અને તેણે 24 વાર પાંચ વિકેટ ખેરવવાનો રેકોર્ડ બનાવ્યો છે. તે ટેસ્ટ ક્રિકેટ તેનું બેસ્ટ ફોર્મેટ છે. આ ફોર્મેટમાં તે 92 મેચમાં 27.55ની સરેરાશથી 372 વિકેટ ઝડપી ચૂક્યો છે. જેમાં 15 વાર પાંચ વિકેટ હોલ છે.


