ક્રિકેટર મયંક અગ્રવાલ છેલ્લા ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે. પરંતુ તે ડોમેસ્ટીક ક્રિકેટમાં સતત રમી રહ્યો છે. મયંકે તાજેતરમાં એક મોટી સિદ્ધિ મેળવી છે. મયંક અગ્રવાલે વિજય હજારે ટ્રોફી 2024ની મેચમાં જોરદાર બેટિંગ કરતા વિસ્ફોટક સદી ફટકારી છે. તેણે માત્ર 45 બોલમાં 100 રન બનાવ્યા છે. મયંકની સદીના આધારે કર્ણાટકે અરુણાચલ પ્રદેશને 10 વિકેટથી હરાવ્યું હતું.
હાર્દિક રાજે કરી ઘાતક બોલિંગ
અરુણાચલ પ્રદેશની ટીમે પ્રથમ બેટિંગ કરતા ઓલઆઉટ થયા સુધીમાં 166 રન બનાવ્યા હતા. આ દરમિયાન ઓપનર રાજેન્દ્ર સિંહે 30 રનની ઈનિંગ રમી હતી. તેણે 4 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 71 રનની અણનમ ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હાર્દિક વર્માએ 38 રન બનાવ્યા હતા. આ દરમિયાન હાર્દિક રાજે કર્ણાટક માટે ઘાતક બોલિંગ કરતા 4 વિકેટ ઝડપી હતી. કૌશિકને પણ 4 વિકેટ મળી હતી. શ્રેયસ ગોપાલ અને કેપ્ટન મયંકને 1-1 વિકેટ મળી હતી.
મયંકે ફટકારી તોફાની સદી
કર્ણાટકની ટીમ માટે કેપ્ટન મયંક અગ્રવાલ ઓપનિંગ કરવા આવ્યો હતો. તેણે અભિનવ મનોહર સાથે જોરદાર બેટિંગ કરી અને મયંકે માત્ર 45 બોલમાં 100 રન બનાવ્યા હતા. તેને ઈનિંગમાં 7 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. મયંકના વિસ્ફોટક પ્રદર્શનના કારણે અરુણાચલ પ્રદેશને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો. મયંકની સાથે અભિનવ મનોહરનો રોલ પણ મહત્વનો સાબિત થયો હતો. તેણે અણનમ 66 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા.
મયંક અગ્રવાલ ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે
મયંક અગ્રવાલે ભારત માટે 21 ટેસ્ટ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1488 રન બનાવ્યા છે. મયંકે 2 બેવડી સદી અને 4 સદી ફટકારી છે. તેણે ટીમ ઈન્ડિયા માટે તેની છેલ્લી ટેસ્ટ માર્ચ 2022માં શ્રીલંકા સામે રમી હતી. તેણે ભારત માટે 5 વનડે મેચ પણ રમી છે. મયંકે તેની છેલ્લી વનડે 2020માં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી. તેણે IPLમાં 127 મેચ રમી છે અને આ દરમિયાન 2,665 રન બનાવ્યા છે.


