ભારતના લક્ષ્ય સેન શનિવારે શેનઝેનમાં ચીનના હૂ ઝેઆન સામે પરાજિત થઇને કિંગ કપ ઇન્ટરનેશનલ બેડમિન્ટન ઓપનની સેમીફાઇનલમાંથી બહાર થઇ ગયો હતો. 23 વર્ષનો ભારતીય શટલર વર્તમાન જુનિયર વર્લ્ડ ચેમ્પિયન સામે 19-21, 19-21થી પરાસ્ત થયો હતો. પહેલી ગેમમાં બન્ને ખેલાડીઓ બરાબરી પર હતા.
હૂએ બ્રેકના સમયમાં એક પોઇન્ટની સામાન્ય લીડ હાંસલ કરી લીધી હતી. લક્ષ્ય સેને બેકહેન્ડમાં ભૂલ કરતાં તેનો લાભ હૂને મળી ગયો હતો. 2022માં પોતાના આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કરનારા 18 વર્ષના હૂએ પોતાનું દબાણ જાળવી રાખ્યું હતું. તેણે પહેલી ગેમ ત્યારે જીતી લીધી હતી કે જ્યારે લક્ષ્ય સેને શટલ કોકને વાઇડ શોટ માર્યો હતો. બીજી ગેમમાં પણ મુકાબલો બરાબરી પરનો હતો. શરૂઆતમાં સ્કોર 6-6થી સમાંતર હતો. તે પછી હૂએ 12-10ની લીડ હાંસલ કરી લીધી હતી. જો કે તે પછી ભારતીય ખેલાડીએ ફરી ગેમ પર પકડ બનાવી હતી અને 19-16ની લીડ બનાવી લીધી હતી. જો કે તે પછી ડૂએ શક્તિશાળી સ્મેશ અને નાજુક ડ્રોપ શોટ્સના અદભુત સંયોજન સાથે જોરદાર જવાબ આપ્યો હતો અને તે સાથે તેણે બીજી ગેમ અને મેચ જીતી લીધા હતાં. સેને અગાઉ આ મહિને સૈયદ મોદી ઇન્ટરનેશનલ સુપર 300નો ખિતાબ જીતી લીધો હતો.


