અમેરિકાના લોસ એન્જલસમાં ભીષણ આગ લાગી છે જેમાં બે લોકોના મોત થયા છે,સાથે સાથે 70 હજારથી વધુ લોકોને બચાવવામાં આવ્યા છે,ભારે પવનના કારણે આગ બુઝાવવામાં પડી રહી છે તકલીફ તો જંગલમાં લાગેલી આગ શહેર તરફ આગળ વધી રહી છે.આ આગથી અત્યાર સુધીમાં એક હજારથી વધુ ઘરોને નુકસાન પણ થયું છે.ઘરો બળીને ખાખ થયા છે.
એક હજારથી વધુ ઘરને નુકસાન
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર, ભારે પવનને કારણે આગ ઓલવવામાં મુશ્કેલી પડી રહી છે. પવનને કારણે આગ ઝડપથી ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગની ઘટના સૌપ્રથમ મંગળવારે (7 જાન્યુઆરી) ના રોજ નોંધાઈ હતી, જે ત્યારથી ઝડપથી ફેલાઈ રહી છે.આગને કારણે પેસિફિક પેલિસેડ્સ વિસ્તારમાં સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ 5 હજાર એકરથી વધુ વિસ્તારને પોતાની ઝપેટમાં લઈ ગઈ છે. આ વિસ્તાર લોસ એન્જલસની પૂર્વમાં, સાન્ટા મોનિકા અને માલિબુના દરિયા કિનારાના શહેરો વચ્ચે સ્થિત છે. ફિલ્મ, ટેલિવિઝન અને સંગીત ઉદ્યોગના ઘણા સ્ટાર્સ આ સ્થળે વસે છે.
ત્રણે બાજુ આગ
લોસ એન્જલસના બીજા વિસ્તાર પાસાડેના નજીક અલ્ટાડેનામાં, આગ 2000 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. અહીં જ બે લોકોના મોત થયા છે. લોસ એન્જલસના ઉત્તરપશ્ચિમમાં સાન ફર્નાન્ડો ખીણમાં સિલ્મરમાં લાગેલી આગ 500 એકરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આ બધા વિસ્તારોમાં આગને કાબુમાં લેવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ફાયર ચીફ એન્થોની મેરોને જણાવ્યું હતું કે ઘણા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. આગને કારણે આ વિસ્તાર ધુમાડાથી ભરાઈ ગયો છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે.
હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે
આગની ઘટના અંગે વ્હાઇટ હાઉસ દ્વારા એક નિવેદન પણ જારી કરવામાં આવ્યું છે. વર્તમાન રાષ્ટ્રપતિ જો બિડેન આગને કાબુમાં લેવા માટે કેલિફોર્નિયાના ગવર્નર ન્યૂસમ, લોસ એન્જલસના મેયર બાસ અને ઘણી ટીમોના સંપર્કમાં છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ ઓલવવા માટે યુએસ ફોરેસ્ટ સર્વિસના 5 મોટા એર ટેન્કરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વધુ ટેન્કર મોકલવામાં આવ્યા છે અને રસ્તામાં છે. 10 અગ્નિશામક હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન સરકાર પર સાધ્યું નિશાન
થોડા દિવસોમાં અમેરિકાનો કાર્યભાર સંભાળવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે આ અકસ્માત અંગે અમેરિકન સરકાર પર નિશાન સાધ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે લોસ એન્જલસમાં લાગેલી આગને ડોલરની દ્રષ્ટિએ અમેરિકાના ઇતિહાસની સૌથી ભયાનક આગ ગણી શકાય. ટ્રમ્પે કહ્યું, ‘મને શંકા છે કે વીમા કંપનીઓ પાસે આ આપત્તિ માટે ચૂકવણી કરવા માટે પૂરતા પૈસા હશે કે નહીં.


