સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચે સનસનાટીભર્યો ઘટસ્ફોટ કર્યો છે કે મેં કોવિડ-19ની વેક્સિન નહીં લીધી હોવાના કારણે મને ઓસ્ટ્રેલિયન ઓપન 2022 પહેલાં ઓસ્ટ્રેલિયામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યો તે પહેલાં મેલબોર્નમાં રહેતી વખતે તેને ખાવામાં સીસું અને પારો (મર્ક્યૂરી)નું ઝેર આપવામાં આવ્યું હતું.
જોકોવિચે કોવિડ-19ની વેક્સિન લેવાનો ઇનકાર કરી દીધો હતો અને તે સમયે તેણે સાર્વજનિક રીતે પોતાની સ્વતંત્રતા વ્યક્ત કરી હતી પરંતુ કોરોનાની મહામારી વચ્ચે ટૂર્નામેન્ટ શરૂ થતા પહેલાં જોકોવિચને મેલબોર્નની એક હોટેલમાં ગોંધી રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ વેક્સિન નહીં લેવાના કારણે તેની ઓસ્ટ્રેલિયામાંથી હકાલપટ્ટી કરવામાં આવી હતી જેના કારણે ગ્રાન્ડસ્લેમમાં ભાગ લઈ શક્યો નહોતો. જોકોવિચે જણાવ્યું હતું કે હું જ્યારે સર્બિયા પરત ફર્યો ત્યારે મને મારા શરીરમાં ભારે પદાર્થ અને પારાની ઉચ્ચ સ્તરીય હાજરી હોય તેવો અહેસાસ થયો હતો. મને હેલ્થ સંબંધી કેટલીક સમસ્યાઓ પણ થઈ હતી. મેલબોર્નની હોટેલમાં મને કશુંક એવું ખાવાનું આપવામાં આવ્યું હતું જેમાં ઝેર હતું. જ્યારે હું સર્બિયા પરત ફર્યો ત્યારે મને આ બાબતની ખબર પડી હતી. મેં આ બાબત ક્યારેય કોઈની સામે સાર્વજનિક રીતે જાહેર કરી નહોતી પરંતુ મારા શરીરમાં સીસાં અને પારાનું પ્રમાણ વધારે હતું.
વિશ્વના ભૂતપૂર્વ નંબર-1 જોકોવિચે જણાવ્યું હતું કે મને મેલબોર્નમાં જેલના રૂમમાં રાખવામાં આવ્યો હતો અને અન્ય એથ્લેટ્સ ટૂર્નામેન્ટ પહેલાં આકરાં ક્વોરન્ટાઇનમાંથી પસાર થઈ રહ્યા હતા. ઘણા એથ્લેટ્સ 40 દિવસ પહેલાં ક્વોરન્ટાઇનમાં હતા અને તેમને પણ રૂમમાં બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ ફરક એટલો હતો કે તેઓ મારી જેમ જેલની કોટડીમાં નહોતા. વેક્સિનના મામલે મને બલિનો બકરો બનાવવામાં આવ્યો હતો અને પૂરું પ્રકરણ રાજનૈતિક હતું કારણ કે રાજકારણીઓ તેને સહન કરી શક્યા નહોતા.


