કેનેડાના પ્રતિભાશાળી ખેલાડી ફેલિક્સ એગુર એલિયાસિમે સાઉથ ઓસ્ટ્રેલિયામાં રમાયેલી એડિલેડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીતી લીધું હતું.
ફાઇનલમાં તેણે અમેરિકાના સબાસ્ટિયન કોર્ડાને 6-3, 3-6, 6-1થી હરાવ્યો હતો અને આ સાથે તેણે કારકિર્દીમાં છઠ્ઠું એટીપી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. વિશ્વમાં 29મો ક્રમાંક ધરાવતો ફેલિક્સ રવિવારથી રમાનારા ઓસ્ટ્રેલિયન ઓપન માટેના દાવેદાર ખેલાડીઓમાં સામેલ છે. તેણે પ્રથમ સેટ 30 મિનિટમાં જીતી લીધો હતો. તેણે ફર્સ્ટ સર્વિસમાં 17 પોઇન્ટ મેળવ્યા હતા. બીજા સેટમાં કોર્ડાએ વળતો પ્રહાર કર્યો હતો અને ફાઇનલને ત્રીજા સેટ સુધી લંબાવી હતી. જોકે 24 વર્ષીય ફેલિક્સે નિર્ણાયક સેટમાં કોઇ પણ ભૂલ કર્યા વિના ધમાકેદાર એસ ફટકારીને ટ્રોફી પોતાના નામે કરી લીધી હતી. 2023ના ઓક્ટોબર બાદ તેણે પ્રથમ વખત કોઇ ટ્રોફી જીતી છે.


