ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને લઇને અવારનવાર નિવેદનો આપે છે. કેનેડાને અમેરિકામાં સમાવવાનો કટાક્ષ પણ કરે છે. ત્યારે આ મામલે વામપંથી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા અને કેનાડાના સાંસદ જગમીત સિંહે અમેરિકાના થનારા રાષ્ટ્રપતિને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ટ્રમ્પ કેનેડા પર દંડાત્મક કર લગાવવા અને બંને દેશો વચ્ચે વિલય થવાની ધમકીઓનું જો અમલી કરણ કરે છે તો તેનો બરાબરનો જવાબ આપવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પને સ્પષ્ટ સંદેશ
મહત્વનુ છે કે કેનેડિયન સાંસદે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોમાં કહ્યું, “મારો ડોનાલ્ડ ટ્રમ્પ માટે એક સંદેશ છે. આપણો દેશ વેચાણ માટે નથી, આજે નહીં અને ક્યારેય નહીં. હું આખા દેશમાં ફર્યો છું અને હું તમને કહી શકું છું કે કેનેડિયનોને પોતાના દેશ પર ગર્વ છે. અમે તેને બચાવવા માટે અમારી બધી તાકાતથી લડવા તૈયાર છીએ.
મહત્વનું છે કે પીએમ જસ્ટિન ટ્રુડોની લિબરલ પાર્ટીના ભૂતપૂર્વ સાથી જગમીત સિંહે કહ્યું કે કેનેડા ધમકીઓ સામે પીછેહઠ કરશે નહીં અને જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. તેમણે અમેરિકાને ચેતવણી આપતા કહ્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પને લાગે છે કે તે આપણી સામે લડી શકે છે, તો તેઓએ તેની કિંમત ચૂકવવી પડશે.
ટ્રમ્પે શું કહ્યું?
મહત્વનું છે કે ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે શપથ ગ્રહણ કરશે. ટ્રમ્પે કેનેડાથી આયાત થતા માલ પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે. જોકે તેમણે સૂચન કર્યું કે જો ઓટાવા કેનેડા-યુએસ સરહદ પર સુરક્ષા સુધારે છે તો તેઓ પુનર્વિચાર કરી શકે છે. ડોનાલ્ડ ટ્રમ્પે એવી પણ દલીલ કરી છે કે કેનેડાનું અમેરિકા સાથે વિલીનીકરણ બંને દેશો પરના ટેરિફ અને કર ઘટાડી શકે છે. જોકે કેનેડાના ટોચના અધિકારીઓએ આ વાતને નકારી કાઢી હતી.
ટ્રૂડોએ શું કહ્યું ?
ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયે જ જસ્ટિન ટ્રુડોએ યુએસના આ વિચારને નકારી કાઢ્યો હતો..તેમણે ટ્રમ્પની કેનેડાના 51મું યુએસ રાજ્ય બનવાની ટિપ્પણીને ઉચ્ચ ટેરિફથી અમેરિકન ગ્રાહકોને થઈ રહેલા આર્થિક નુકસાનથી “વિચલિત” ગણાવી હતી.
અમેરિકા-કેનેડા તણાવ વચ્ચે સાંસદ જગમીત સિંહે સ્પષ્ટ કર્યું કે જો ડોનાલ્ડ ટ્રમ્પ આપણા પર ટેરિફ લાદે તો આપણે પણ બદલા રૂપે ટેરિફ લાદવા જોઈએ. ટ્રમ્પના પાછલા કાર્યકાળ દરમિયાન ઓટાવાએ કેનેડિયન સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના ટેરિફના જવાબમાં બોર્બોન, હાર્લી ડેવિડસન મોટરસાયકલો અને પ્લેઇંગ કાર્ડ્સ જેવા યુએસ ઉત્પાદનો પર ટેરિફ લાગાવ્યા હતા.


