અમેરિકાનાં કેલિફોર્નિયામાં લાગેલી આગની જવાળાઓ સાતમા દિવસે પણ લપકારા લઈ રહી છે. તોફાની પવન અને વિન્ડીને કારણે આગને કાબૂમાં લેવા ફાયર ફાઈટર્સને મુશ્કેલી પડી રહી છે.
ક્યાંક આગ ઓલવવામાં સફળતા મળી છે તો ક્યાંક પવનને કારણે નવા વિસ્તારો આગની લપેટમાં આવી રહ્યા છે. વિકરાળ આગ અત્યાર સુધીમાં 24થી વધુ લોકોને ભરખી ગઈ છે. ઈટન અને પેલિસેડ્સમાં 16 લોકો ગુમ થયાનાં અહેવાલ છે. ભીષણ આગમાં 40,000 એકર જમીન સળગીને રાખ બની ગઈ છે. જ્યાં જુઓ ત્યાં આગથી તબાહી મચ્યાનાં દૃશ્યો જોવા મળી રહ્યા છે. અત્યાર સુધીમાં અમેરિકાની ઈકોનોમીને 150 અબજ ડૉલરનું એટલે કે આશરે 13 લાખ કરોડનું નુકસાન થયું છે. 29,000 એકર જમીન સંપૂર્ણ ખાખ થઈ ગઈ છે. 12,000થી વધુ મકાનોનો નાશ થયો છે. 3 લાખથી વધુ લોકોએ સ્થળાંતર કર્યું છે. દોઢ લાખ જેટલા લોકો અંધારપટમાં ફસાયા છે. હવામાન ખાતાનાં જણાવ્યા મુજબ મંગળવાર કસોટીનો છે. પવનની ગતિમાં વધઘટ થઈ રહી છે તેથી આગ ઓલવવાનું મુશ્કેલ બન્યું છે.


