ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તે સિરીઝમાં મળેલી કારમી હાર અંગે મુંબઈમાં BCCIની સમીક્ષા બેઠક યોજાઈ હતી. તે બેઠક દરમિયાન ઘણા કઠિન નિર્ણયો લેવામાં આવ્યા. હવે આ બેઠક સાથે જોડાયેલા બીજા એક ચોંકાવનારા સમાચાર બહાર આવી રહ્યા છે. રિપોર્ટ મુજબ આ બેઠક દરમિયાન ગૌતમ ગંભીરે યુવા ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાન પર ડ્રેસિંગ રૂમના સમાચાર લીક કરવાનો આરોપ લગાવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના સમાચાર લીક થવા માટે સરફરાઝ ખાનને જવાબદાર ઠેરવ્યા છે. તેમને કહ્યું કે જ્યારે ગૌતમ ગંભીરે મેલબોર્નમાં કારમી હાર બાદ ગુસ્સાવાળું ભાષણ આપ્યું હતું, ત્યારે તે સમાચાર સરફરાઝ ખાને લીક કર્યા હતા. એવા પણ અહેવાલો છે કે જ્યાં સુધી ગૌતમ ગંભીર કોચ છે ત્યાં સુધી સરફરાઝની કારકિર્દી પર પણ અસર પડી શકે છે.
ડ્રેસિંગ રૂમના સમાચાર લીક થવા પર ગૌતમ ગંભીરે આપી પ્રતિક્રિયા
સિડની ટેસ્ટ મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગૌતમ ગંભીરે ડ્રેસિંગ રૂમના સમાચાર પર મોટી પ્રતિક્રિયા આપી હતી. તેમને કહ્યું હતું કે ડ્રેસિંગ રૂમના સમાચાર લીક ન થવા જોઈએ. તેમને કહ્યું કે કોચ અને ખેલાડીઓ વચ્ચે ડ્રેસિંગ રૂમમાં જે કંઈ પણ થાય છે તે ફક્ત ડ્રેસિંગ રૂમ પૂરતું મર્યાદિત રહેવું જોઈએ. આ ફક્ત સમાચાર છે, સત્ય નથી.
BCCI સમીક્ષા બેઠકમાં ઘણા કઠિન નિર્ણયો લેવામાં આવ્યા
તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા અંગે BCCI સમીક્ષા બેઠકમાં ઘણા કઠિન નિર્ણયો લેવામાં આવ્યા છે. બીસીસીઆઈએ કહ્યું છે કે ખેલાડીઓને હવે પોતાને માટે નિર્ણય લેવાનો અધિકાર રહેશે નહીં કે તેઓ કઈ સિરીઝમાં રમવા માંગે છે કે નહીં. સમાચાર મુજબ જો ખેલાડીઓ કોઈપણ સિરીઝમાં રમવા માંગતા નથી, તો તેમને માન્ય તબીબી પુરાવા આપવા પડશે કે તેઓ કેમ રમવા માંગતા નથી. બોર્ડે પહેલાથી જ બધા સ્ટાર ખેલાડીઓને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહ્યું છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં હાર બાદ કોચ ગૌતમ ગંભીરે પણ દરેક ભારતીય ખેલાડીને ઘરેલુ ક્રિકેટ રમવા માટે કહ્યું હતું. તેમને કહ્યું કે ઘરેલુ ક્રિકેટને મહત્વ આપવું જરૂરી છે.


