15 મહિના પછી યુદ્ધની આગમાં સળગી રહેલા ગાઝામાં શાંતિની ઘોષણા કરવામાં આવી. ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામ કરાર પર સંમત થયા. પરંતુ ગાઝા પટ્ટીમાં હુમલાઓનો સિલસિલો ચાલુ જ છે. મહત્વનું છે કે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર રવિવાર (19 જાન્યુઆરી, 2025) થી અમલમાં આવશે. પરંતુ કરાર અમલમાં આવે તે પહેલાં બુધવારે (15 જાન્યુઆરી) ના રોજ ઇઝરાયલે ફરીથી ગાઝા પટ્ટીમાં બ્લાસ્ટ કર્યો. ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ જણાવ્યું હતું કે ગાઝામાં તાજેતરના ઇઝરાયલી હુમલાઓમાં 86 લોકો માર્યા ગયા છે અને લગભગ 258 લોકો ઘાયલ થયા છે.
યુદ્ધ વિરામની જાહેરાત પછી મોટો હુમલો
CNNના અહેવાલ મુજબ ગાઝા સિવિલ ડિફેન્સ એજન્સીના પ્રવક્તા મહમૂદ બસલે ગુરુવારે (16 જાન્યુઆરી) એક પ્રેસ રિલીઝ જાહેર કરતા કહ્યું કે બુધવારે (15 જાન્યુઆરી) યુદ્ધવિરામ કરારની જાહેરાત થયા પછી ઇઝરાયલી હુમલાઓમાં 86 લોકો માર્યા ગયા છે. અને 258 ઘાયલ થયા છે. . યુદ્ધવિરામની જાહેરાત પછીના સમયગાળામાં આ અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.
એજન્સીના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે ઇઝરાયલી હુમલામાં 23 બાળકોના પણ મોત થયા છે. આ દરમિયાન ઇઝરાયલી સંરક્ષણ દળોએ ગુરુવારે (16 જાન્યુઆરી) જણાવ્યું હતું કે, આજે ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટીમાં લગભગ 50 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો છે.
ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ શું કહ્યું?
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે ગાઝા પટ્ટીમાં હમાસ દ્વારા બંધક બનાવવામાં આવેલા લોકોની વાપસી માટે યુદ્ધવિરામ કરાર થયો છે.” તેમણે કહ્યું કે કરારને મંજૂરી આપવા માટે શુક્રવારે (17 જાન્યુઆરી, 2025) સુરક્ષા મંત્રીમંડળની બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ સરકાર કરારને મંજૂરી આપશે.
ઉલ્લેખનીય છે કે, ઇઝરાયલે ઇઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધને રોકવા માટે લાંબા સમયથી રાહ જોવાતી યુદ્ધવિરામ કરાર પર ગુરુવારે (16 જાન્યુઆરી) કેબિનેટ મતદાન મુલતવી રાખ્યું હતું. આ કરાર હેઠળ, ગાઝા પટ્ટીમાં ચાલી રહેલા યુદ્ધને બંધ કરવામાં આવશે અને ડઝનબંધ બંધકોની મુક્તિ સુનિશ્ચિત કરવામાં આવશે.


