પાકિસ્તાનની એક કોર્ટે શુક્રવારે પૂર્વ પીએમ ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને જમીન કૌભાંડ આચરવા માટે તેમજ ભ્રષ્ટાચાર આચરવાના કેસમાં દોષિત ઠરાવીને ઈમરાન ખાનને 14 વર્ષની અને બુશરા બીબીને 7 વર્ષની સજા ફટકારી હતી. જસ્ટિસ નાસિર જાવેદ રાણા દ્વારા બંનેને કેદની સજા ઉપરાંત દંડ કરાયો હતો.
જેમાં ઈમરાન ખાનને રૂ. 10 લાખનો અને બુશરા બીબીને રૂ. 5 લાખનો દંડ કરાયો હતો. જો તેઓ દંડ નહીં ભરે તો ઈમરાન ખાનને વધુ 6 મહિના અને બુશરાને વધુ 3 મહિના જેલની સજા કરાઈ છે. બુશરા બીબીનાં ટ્રસ્ટ અલ કાદિર દ્વારા બંને પતિ-પત્નીએ કૌભાંડ આચરીને પાક. સરકારની તિજોરીને 50 અબજ પાકિસ્તાની રૂપિયાનું નુકસાન પહોંચાડયું હતું. બંનેએ બુશરા બીબીનાં અલ કાદિર ટ્રસ્ટ દ્વારા પાકિસ્તાની સરકારની અબજોની જમીન સસ્તામાં વેચી નાંખી હતી. આ કેસમાં ઈમરાન ખાનને 9 મે 2023નાં રોજ પકડીને જેલમાં પુરવામાં આવ્યા હતા. આ પછી તેમનાં ટેકેદારોએ આખા દેશમાં તોફાન મચાવ્યું હતું અને આર્મીના કેટલાક મહત્ત્વના સ્થળો પર હુમલા કર્યા હતા. આ વખતે પણ જેલે સજા ફટકાર્યા પછી ઈમરાન ખાનના ટેકેદારો આખા દેશમાં તોફાન મચાવશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પાક.નાં NAB દ્વારા કુલ 8 વ્યક્તિઓ સામે કેસ
પાકિસ્તાનના નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યૂરો (NAB) એ અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ડિસેમ્બર 2023માં ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબી તેમજ અન્ય 6 વ્યક્તિઓ સામે કેસ કર્યો હતો. જો કે આ કેસ પહેલા જ ઈમરાન ખાન તોશાખાના કેસમાં અડિયાલા જેલમાં કેદ હતા. એક અહેવાલ મુજબ ઈમરાન ખાન અને તેમની પત્નીએ આ કેસમાં રૂ. 1,955 કરોડની લાંચ લીધી હતી. જજે અલ કાદિર ટ્રસ્ટ સરકારને સોંપી દેવાનું ફરમાન કર્યું છે. આ કેસમાં પૂર્વ પીએમ જેલમાં સજા કાપી રહ્યા છે જ્યારે બુશરા બીબીની ધરપકડ કરીને જેલમાં કેદ કરાયા છે. ઈમરાન ખાને તેની સામેના આરોપો ફગાવ્યા છે અને તેમની સામેના પગલાં રાજકીય ઈરાદા પ્રેરિત હોવાનું જણાવ્યું હતું.
શું છે 50 અબજનું જમીન કૌભાંડ?
ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીએ તેમનાં ટ્રસ્ટ અલ કાદિર દ્વારા સરકારની જમીન અન્યોને સસ્તામાં પધરાવી દેવાનું કૌભાંડ આચર્યું હતું. જેના કારણે પાક. સરકારને 50 અબજ રૂપિયાનું નુકસાન થયું હતું. આ કેસમાં મુખ્ય 4 વ્યક્તિઓ સંડોવાયેલી છે જેમાં ઈમરાન ખાન અને તેમનાં પત્ની બુશરા બીબી તેમજ અબજોપતિ લેન્ડ માફિયા મલિક રિયાઝ અને બુશરાની મિત્ર ફરાહ ગોગીનો સમાવેશ થાય છે. સરકારનો આરોપ છે કે ઈમરાન ખાન જ્યારે પીએમ બન્યા ત્યારે તેમણે મલિકન રિયાઝને મની લૉન્ડરિંગ કેસમાં ફસાવ્યા હતા.


