ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ કરાર રવિવારે લગભગ ત્રણ કલાકના વિલંબ પછી અમલમાં આવ્યો છે. આ યુદ્ધવિરામ 15 મહિનાથી ચાલતા વિનાશક સંઘર્ષ અટકી ગયો છે. જેના કારણે વ્યાપક વિનાશ અને જાનહાનિ થઈ છે.
પીએમ નેતન્યાહૂએ કરી જાહેરાત
ઇઝરાયલ પીએમ નેતન્યાહૂના કાર્યાલયે એક X પોસ્ટમાં જણાવ્યું હતું કે ગાઝામાં યુદ્ધવિરામ અમલમાં આવ્યો છે. નેતન્યાહૂના કાર્યાલયે જણાવ્યું હતું કે યુદ્ધવિરામ ત્રણ કલાક મોડા અમલમાં આવ્યો કારણ કે હમાસે બંધકોની યાદી સોંપવામાં વિલંબ કર્યો હતો. પીએમ નેતન્યાહૂએ એક X પોસ્ટમાં એમ પણ કહ્યું હતું કે ઇઝરાયલને બંધકોની યાદી મળી ગઈ છે અને તેની સુરક્ષા તપાસવામાં આવી રહી છે.
બંધકોનું લિસ્ટ આપવામાં કર્યો વિલંબ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે એક વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધને રોકવાનો માર્ગ શોધવા માટે યુદ્ધવિરામ કરાર થયો છે. તેનો તબક્કાવાર અમલ કરવો પડશે. કરાર મુજબ બંધકોને પહેલા 42 અઠવાડિયામાં મુક્ત કરવામાં આવશે. હાલમાં લગભગ 33 ઇઝરાયલી નાગરિકો હમાસની કસ્ટડીમાં છે. આમાંથી, ત્રણ બંધકો, જેમના નામ હમાસ દ્વારા ઇઝરાયલને સોંપવામાં આવ્યા છે, તેમને રવિવારે મુક્ત કરવામાં આવનાર છે.
3 કલાક મોડુ સીઝફાયર કરાર અમલી
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામનો પ્રથમ તબક્કો રવિવારે સવારે 8.30 વાગ્યાથી અમલમાં આવવાનો હતો. ઇઝરાયલી મીડિયા અનુસાર, હમાસે બંધકોની યાદી જાહેર કરવામાં વિલંબ કર્યો અને ત્યારબાદ તેનો અમલ સવારે 11.15 વાગ્યાથી કરવામાં આવ્યો. પહેલા દિવસે ત્રણ મહિલા બંધકોને મુક્ત કરવામાં આવશે. અગાઉ, ઇઝરાયલી સેનાએ ગાઝામાં બોમ્બમારાનો અંતિમ તબક્કો હાથ ધર્યો હતો, અને દાવો કર્યો હતો કે હમાસના લક્ષ્યોનો નાશ કરવામાં આવ્યો છે.


