જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી તે ઇઝરાયેલ-હમાસ વચ્ચેની યુદ્ધવિરામ સમજૂતી અંતે રવિવારથી અમલી બની. આ સાથે બંને વચ્ચે છેલ્લા 15 મહિનાથી જારી યુદ્ધ પૂરું થવા માટેનો માર્ગ મોકળો થયો છે. રવિવારે હમાસે પ્રથમ તબક્કામાં ત્રણ ઇઝરાયેલી મહિલા બંધકોને રેડક્રોસને સોંપ્યા હતા.
ત્રણેયને મુક્ત કરતા પહેલાં હમાસ તરફથી ત્રણેયના નામ જારી કરાયા હતા અને સાથે જણાવ્યું હતું કે ઇઝરાયેલ પણ તેને રવિવારે જ મુક્ત થનારા 90 પેલેસ્ટિનિયન કેદીઓની યાદી સોંપશે. હમાસ આગામી એક અઠવાડિયામાં વધુ ચાર ઇઝરાયેલી બંધકોને મુક્ત કરશે. હમાસે 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલમાં હુમલો કર્યો હતો, જેમાં 1,200 લોકો માર્યા ગયા હતા. 250થી વધુને હમાસે બંધક બનાવ્યા હતા. ઇઝરાયેલના વળતા હુમલામાં અત્યાર સુધીમાં 47 હજાર પેલેસ્ટિનીઓ માર્યા ગયા છે.


