સાયબર ક્રાઈમના અવનવા કિસ્સાઓ દરરોજ સામે આવી રહ્યા છે. ક્યારેક લોકોને પૈસાની લાલચ આપીને તો ક્યારેક નોકરીના ખોટા વચનો આપીને તેમને ભોગ બનાવવામાં આવે છે. આવા જ એક કિસ્સામાં ભારત સરકારે લાઓસમાંથી 67 પીડિતોને રેસ્ક્યુ કર્યા છે.
યુવાનોને નોકરીના બહાને લાઓસ લઈ જવામાં આવ્યા
આ યુવાનોને લાઓ પીડીઆરના ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન (GTSEZ)માં સાયબર-સ્કેમ સેન્ટરોમાંથી બચાવી લેવામાં આવ્યા છે. આ યુવાનોને સારા પગારવાળી નોકરીના બહાને લાઓસ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં તેમને સાયબર છેતરપિંડી કરવા માટે મજબૂર કરવામાં આવ્યા. GTSEZમાં ગુનાહિત સિન્ડિકેટ દ્વારા યુવાનોને ધમકી આપવામાં આવી હતી. જ્યારે આ યુવાનોએ મદદ માટે અપીલ કરી, ત્યારે ભારતીય દૂતાવાસ હરકતમાં આવ્યું અને અધિકારીઓએ યુવાનોનો સંપર્ક કર્યો હતો.
રાજદૂત પ્રશાંત અગ્રવાલ યુવાનોને મળ્યા
દૂતાવાસના અધિકારીઓની એક ટીમે GTSEZની મુલાકાત લીધી. ત્યાંના અધિકારીઓ સાથે મળીને જરૂરી કાગળકામ પૂર્ણ કર્યું. આ પછી બોકિયોથી વિયેન્ટિયન સુધી પરિવહનના સાધનો પૂરા પાડવામાં આવ્યા. આ ઉપરાંત યુવાનોના રહેવા અને ખાવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. લાઓ પીડીઆરમાં ભારતીય રાજદૂત પ્રશાંત અગ્રવાલ યુવાનોને મળ્યા હતા. તેમણે સુરક્ષાની ખાતરી આપી અને કહ્યું કે તેમના સુરક્ષિત ભારત પાછા ફરવા માટે દૂતાવાસનો સહયોગ સર્વોચ્ચ પ્રાથમિકતા છે. તેમણે તેમને છેતરપિંડી કરનારા એજન્ટો સામે ફરિયાદ નોંધાવવા સહિત આગળની કાર્યવાહી અંગે પણ સલાહ આપી.
આ મુદ્દો ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો
યુવનોને ભારત પરત લાવવા માટેની ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે દૂતાવાસના અધિકારીઓ લાઓસ સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છે. રાજદૂત પ્રશાંત અગ્રવાલે કહ્યું કે અમે લાઓ સત્તાવાળાઓનો તેમના સહકાર બદલ આભાર માનીએ છીએ. અમે તેમને યુવાનોના ભવિષ્ય સાથે રમત રમી રહેલા ગુનેગારો સામે કાર્યવાહી કરવા વિનંતી પણ કરી છે. આ મુદ્દો ઉચ્ચ સ્તરે ઉઠાવવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે દૂતાવાસે અત્યાર સુધીમાં 924 ભારતીયોને બચાવ્યા છે, જેમાંથી 857 લોકોને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવ્યા છે.


