ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર બનવા બદલ પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યો. તાજેતરમાં જ જસપ્રીત બુમરાહને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. જસપ્રીત બુમરાહ ઉપરાંત, ઇંગ્લેન્ડના હેરી બ્રુક, જો રૂટ અને ઓસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડને ICC મેન્સ ક્રિકેટર ઓફ ધ યર માટે નામાંકિત કરવામાં આવ્યા હતા, પરંતુ ભારતીય ફાસ્ટ બોલરે ત્રણેયને હરાવીને એવોર્ડ જીત્યો.
જસપ્રીત બુમરાહે સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીતીને રચ્યો ઈતિહાસ
જસપ્રીત બુમરાહ પહેલા રાહુલ દ્રવિડ સિવાય સચિન તેંડુલકર, રવિ અશ્વિન અને વિરાટ કોહલી ભારત માટે પ્રતિષ્ઠિત સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીતી ચૂક્યા છે. વિરાટ કોહલીએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ બે વાર જીત્યો છે. પરંતુ આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય ફાસ્ટ બોલરે સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો છે.
વિરાટે બે વર્ષ સુધી જીત્યો આ એવોર્ડ
રાહુલ દ્રવિડ સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીતનાર પ્રથમ ભારતીય છે. રાહુલ દ્રવિડને 2004 માં સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. આ પછી સચિન તેંડુલકરને 2010 માં સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડથી નવાજવામાં આવ્યા. જ્યારે, રવિ અશ્વિને વર્ષ 2016 માં સર ગારફિલ્ડ સોબર્સ એવોર્ડ જીત્યો હતો. જ્યારે વિરાટ કોહલીએ 2017 અને 2018 માં સતત બે વર્ષ સુધી આ એવોર્ડ જીત્યો હતો.
સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર
જસપ્રીત બુમરાહે વર્ષ 2024 માં શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કર્યું. ગયા વર્ષે જસપ્રીત બુમરાહ સૌથી વધુ ટેસ્ટ વિકેટ લેનાર બોલર હતો. જસપ્રીત બુમરાહે 13 ટેસ્ટ મેચમાં 14.92 ની એવરેજથી 71 વિકેટ લીધી હતી. તાજેતરમાં, તેને ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 32 વિકેટ લીધી હતી. આ સિરીઝમાં, જસપ્રીત બુમરાહ સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની લિસ્ટમાં ટોપ પર હતો.
T20 વર્લ્ડકપ 2024માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો
ભારતે 2024 ના T20 વર્લ્ડકપની ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવીને ટાઈટલ જીત્યું. આ આખી ટુર્નામેન્ટમાં બુમરાહનું પ્રદર્શન અદ્ભુત રહ્યું. બુમરાહે 2024ના T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરતી વખતે 15 વિકેટ લીધી હતી. જેના માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કરી કમાલ
ઓસ્ટ્રેલિયા સાથે રમાયેલી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું. પાંચ મેચની આ સિરીઝમાં બુમરાહે બોલિંગ કરતી વખતે 32 વિકેટ લીધી હતી. જેના કારણે તેને પ્લેયર ઓફ ધ સિરીઝ તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો.


