સાઉદી અરેબિયાના પશ્ચિમી ક્ષેત્રમાં જેદ્દાહ નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકો સહિત 15 લોકોના દુઃખદ મોત થયા છે. આ અકસ્માતમાં નેપાળ અને ઘાનાના 3-3 નાગરિકોએ પણ જીવ ગુમાવ્યા છે. ભારતીય દૂતાવાસે બુધવારે અકસ્માતની પુષ્ટિ કરી હતી અને મૃતકોના પરિવારોને શક્ય તમામ મદદની ખાતરી આપી છે. આ અકસ્માત બાદ મૃતકોના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે શોક વ્યક્ત કર્યો
ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર લખ્યું કે જેદ્દાહમાં થયેલા આ દુ:ખદ માર્ગ અકસ્માત વિશે સાંભળીને તેમને દુઃખ થયું છે. મેં જેદ્દાહમાં અમારા કોન્સ્યુલ જનરલ સાથે વાત કરી છે, જેઓ અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં છે અને તેમને શક્ય તેટલી બધી સહાય પૂરી પાડી રહ્યા છે.
અકસ્માતમાં તેલંગાણાના એક કામદારે જીવ ગુમાવ્યો
ભારતીય સમુદાયના જણાવ્યા અનુસાર આ બધા કામદારો દક્ષિણ બંદર શહેર જીઝાનમાં તેમના કાર્યસ્થળ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન તેમની બસ એક ટ્રેલર સાથે અથડાઈ ગઈ. બસમાં કુલ 26 લોકો હતા, જેમાંથી 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે બાકીના મુસાફરો ઘાયલ થયા હતા. મૃતકોમાં એક ભારતીય નાગરિક કાપેલી રમેશ (32) પણ હતો, જે તેલંગાણાના જગત્યાલ જિલ્લાના મેટપલી મંડળનો રહેવાસી હતો. રમેશના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર પર દુઃખનો પહાડ છવાઈ ગયો છે.
ભારત સરકારે શોક વ્યક્ત કર્યો
ભારતીય દૂતાવાસે આ અકસ્માત પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. દૂતાવાસે ટ્વીટર પર પોસ્ટ કર્યું, “જેદ્દાહ નજીક માર્ગ અકસ્માતમાં 9 ભારતીય નાગરિકોના મૃત્યુ પર અમે અમારી ઊંડી સંવેદના વ્યક્ત કરીએ છીએ. મૃતકોના પરિવારજનો પ્રત્યે અમારી સંવેદના. ભારતીય કોન્સ્યુલેટ સ્થાનિક વહીવટીતંત્ર અને અસરગ્રસ્ત પરિવારોના સંપર્કમાં છે અને શક્ય તમામ સહાય પૂરી પાડી રહ્યું છે.
ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરાયો
આ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવાર માટે સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ભારતીય મિશને અસરગ્રસ્ત પરિવારોને મદદ કરવા માટે એક ખાસ ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર (Toll free- 8002440003 )પણ જાહેર કર્યો છે. સરકાર મૃતકોના મૃતદેહને શક્ય તેટલી વહેલી તકે તેમના પરિવારોને પહોંચાડવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે. આ ઘટનાએ સાઉદી અરેબિયામાં કામ કરતા ભારતીય કામદારોની સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉભી કરી છે. સરકાર તમામ અસરગ્રસ્ત પરિવારોને રાહત આપવા માટે શક્ય તમામ પગલાં લઈ રહી છે.


